<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

બિહાર : BPSC TRE 4 ભરતીમાં શિક્ષકોની જગ્યાઓમાં મોટો વધારો થવાની શક્યતા: શિક્ષણ વિભાગે તમામ જિલ્લાઓ પાસે માગી સુધારેલી માહિતી, નોટિફિકેશન માટે ઉમેદવારોએ હજુ જોવી પડશે રાહ!

TRE-3 ની ખાલી બેઠકો અને બેકલોગ પદો ઉમેરવાની કવાયત તેજ; તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને બે દિવસમાં અનામત અને વિષયવાર વિગતો મોકલવા આદેશ!

પટના : બિહાર પબ્લિક સર્વિસ કમિશન (BPSC) દ્વારા યોજાનારી ચોથા તબક્કાની શિક્ષક ભરતી (TRE 4) ને લઈને ઉમેદવારો માટે એક મહત્વના અને મોટા સમાચાર સામે આવ્યા છે. શિક્ષક ભરતીમાં પદોની સંખ્યામાં મોટો વધારો થવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે. બિહાર શિક્ષણ વિભાગે રાજ્યના તમામ જિલ્લાઓમાંથી માધ્યમિક (ધોરણ ૯-૧૦) અને ઉચ્ચતર માધ્યમિક (ધોરણ ૧૧-૧૨) શિક્ષકોની વિષયવાર અને અનામત વર્ગવાર ખાલી પડેલી જગ્યાઓની સુધારેલી માહિતી માંગી છે.

 

શિક્ષણ વિભાગ દ્વારા TRE-3 પછી બાકી રહેલી જગ્યાઓ અને બેકલોગ પદોને TRE 4 માં ઉમેરીને રોસ્ટર ક્લિયરન્સ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. માધ્યમિક શિક્ષણ નિયામક સજ્જન આર. દ્વારા તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યો છે કે તેઓ આગામી બે દિવસની અંદર ભૌતિક રીતે તથા ઈમેઈલ દ્વારા નિર્ધારિત ફોર્મેટમાં ખાલી જગ્યાઓની વિગતો મોકલી આપે. આ વિગતોમાં SC, ST, EBC, BC, EWS અને દિવ્યાંગ શ્રેણીઓની કેટેગરીવાર માહિતીનો સમાવેશ થાય છે. ખાલી જગ્યાઓની આ પુનઃ ગણતરીને કારણે નોટિફિકેશન જારી થવામાં ઉમેદવારોએ થોડી વધુ રાહ જોવી પડી શકે છે.

 

ઉલ્લેખનીય છે કે, શિક્ષણ વિભાગે અગાઉ ૩૨,૩૮૮ શિક્ષકોની ભરતી માટે BPSC ને વિનંતી (રિક્વિઝિશન) મોકલી આપી હતી, જેની જાહેરાત નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ કરી હતી. જેમાં પ્રાથમિકથી લઈને ઉચ્ચતર માધ્યમિક સુધીના પદો સામેલ હતા. બીજી તરફ, BPSC એ સોશિયલ મીડિયા પર ચાલી રહેલી રિક્વિઝિશન પરત કરવાની અફવાઓને સખત શબ્દોમાં ફગાવી દેતાં સ્પષ્ટતા કરી છે કે કેટલીક ટેકનિકલ ખામીઓ સુધારવા માટે વહીવટી પ્રક્રિયા ચાલી રહી છે અને સુધારેલો ડેટા મળતાં જ ટૂંક સમયમાં ભરતીની જાહેરાત જારી કરી અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

 

(11:28 PM IST)