<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th August 2026

હરિયાણાના સિરસામાં દૂષિત પીવાના પાણીથી ભારે હોબાળો: ૧૦૦ થી વધુ લોકો હેપેટાઇટિસ A ની ઝપેટમાં, ૪૫ દર્દીઓ હોસ્પિટલમાં ભરતી!

નવી પાઇપલાઇનમાં લીકેજના કારણે આખું ગામ રોગચાળાનો ભોગ બન્યું; બે યુવતીઓની હાલત ગંભીર થતાં AIIMS માં ખસેડાઈ, વહીવટીતંત્રે સારવારનો ખર્ચ ઉઠાવવાની આપી ખાતરી!

સિરસા : હરિયાણાના સિરસા જિલ્લાના દેસુજોધા ગામમાં દૂષિત પીવાના પાણી પુરવઠાના કારણે ભયાનક આરોગ્ય સંકટ સર્જાયું છે. ગામમાં પીવાના પાણીની લાઈનમાં લીકેજ થવાના કારણે હેપેટાઇટિસ A નો ગંભીર રોગચાળો ફાટી નીકળ્યો છે, જેનાથી ૧૦૦ થી વધુ ગ્રામજનો ટપોટપ બીમાર પડી રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરતા અત્યાર સુધીમાં ૨૧૬ લોકોમાં આ ચેપની પુષ્ટિ થઈ છે, જેમાંથી ૪૫ દર્દીઓને તુરંત હોસ્પિટલમાં દાખલ કરવાની નોબત આવી છે.

 

ગામના સરપંચ અને સ્થાનિકોના જણાવ્યા મુજબ, ગામમાં જૂની પાઇપલાઇન બદલીને નવી લાઇન નાખવાની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન ગટરના દૂષિત પાણીનું લીકેજ પીવાના પાણીની લાઇન સાથે ભળી ગયું હતું. આ દૂષિત પાણી પીવાથી છેલ્લા એક સપ્તાહમાં ગામના ઘરોમાં બીમાર લોકોની સંખ્યા સતત વધવા લાગી હતી. સ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે ૨૧ વર્ષીય પ્રભજોત અને ૧૮ વર્ષીય પ્રીત કૌર નામની બે યુવતીઓની હાલત નાજુક બનતા તેમને ભટિંડા AIIMS અને લુધિયાણાની હોસ્પિટલમાં આઈસીયુમાં ખસેડવામાં આવી છે.

 

આરોગ્ય વિભાગની ટીમે તાકીદે ગામમાં ધામા નાખીને છેલ્લા પાંચ દિવસમાં ૫૪૦ લોકોના બ્લડ સેમ્પલ લીધા છે. હોસ્પિટલમાં દાખલ ૪૫ દર્દીઓમાં બાળકો અને વૃદ્ધોની સંખ્યા વધુ છે. આ ઘટનાને પગલે ગ્રામજનોએ ભારે આક્રોશ સાથે વિરોધ પ્રદર્શન શરૂ કરતા જિલ્લા વહીવટીતંત્રે સ્થળ પર પહોંચીને ત્વરિત શુદ્ધ પાણી ટેન્કર દ્વારા પૂરું પાડવાનું વચન આપ્યું છે. સાથે જ, જિલ્લા તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તમામ અસરગ્રસ્ત દર્દીઓની સારવારનો સંપૂર્ણ ખર્ચ સરકાર પોતે ઉઠાવશે.

(12:46 AM IST)