News of Sunday, 9th August 2026
"રાજકોટની દીકરી વિરૂદ્ધ સોશિયલ મીડિયામાં ઝેર, મયુરી પુરોહિતે તોડ્યું મૌન"
PMના લંડન વિરોધ પર ટિપ્પણી બાદ ટ્રોલિંગનો શિકાર, યુવતીએ કહ્યું "હું હિન્દુ છું, ધર્મના નામે બદનામી કરાઈ રહી છે, લઈશ કાયદાકીય રસ્તો"

નવી દિલ્હી : સોશિયલ મીડિયાની એક પોસ્ટે રાજકોટની એક સામાન્ય યુવતીને રાતોરાત વિવાદના કેન્દ્રમાં લાવી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લંડન પ્રવાસ દરમિયાન ત્યાં થયેલા વિરોધને લઈને રાજકોટની મયુરી પુરોહિતે સોશિયલ મીડિયામાં પોતાનો અભિપ્રાય આપ્યો હતો. બસ, ત્યારબાદ શરૂ થયો ટ્રોલિંગનો વંટોળ.
મયુરીની તે પોસ્ટ વાયરલ થતા જ કેટલાક લોકોએ તેના પર નિશાન સાધ્યું. તેને "પાકિસ્તાની મુસ્લિમ" ગણાવીને અપશબ્દો કહેવાયા, ધમકીઓ મળી અને પારિવારિક તસવીરો સુધી પહોંચીને માનસિક ત્રાસ આપવામાં આવ્યો.
વિવાદ વકરતા મયુરીએ આખરે મૌન તોડ્યું. તેણે કહ્યું, "હું રાજકોટમાં જન્મી અને ઉછરી છું. હું હિન્દુ પરિવારની દીકરી છું. માત્ર એક અભિપ્રાય આપવાના કારણે મને દેશદ્રોહી અને બીજા ધર્મની સાબિત કરવાના પ્રયાસ થઈ રહ્યા છે. આ ખોટું છે."
મયુરીના જણાવ્યા મુજબ, આ ઝુંબેશમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કાજલ હિન્દુસ્તાની દ્વારા તેના વિશે ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે. "તેઓ મારા નામ, મારા ફોટા અને મારા પરિવાર વિશે જૂઠું બોલી રહ્યા છે. હું આને ચૂપચાપ સહન નહીં કરું. હું મારા વકીલો સાથે ચર્ચા કરીને તેમની સામે કાનૂની કાર્યવાહી કરીશ" એમ મયુરીએ સ્પષ્ટ કહ્યું.
આ સમગ્ર ઘટનાએ ફરી એક વખત સોશિયલ મીડિયામાં અભિવ્યક્તિની સ્વતંત્રતા અને સાયબર બુલિંગનો મુદ્દો ગરમાવ્યો છે. એક તરફ લોકો કહી રહ્યા છે કે જાહેર હસ્તીઓ વિશે બોલતા પહેલા વિચારવું જોઈએ, તો બીજી તરફ કેટલાક લોકો એમ પણ કહી રહ્યા છે કે અભિપ્રાયના કારણે કોઈની ઓળખ અને ધર્મને ટાર્ગેટ કરવો એ યોગ્ય નથી.
સાયબર ક્રાઈમના નિષ્ણાતોનું કહેવું છે કે આવી ટ્રોલિંગ અને ધમકી આપવી IT એક્ટ હેઠળ ગુનો બને છે. પોલીસે હાલ આ મામલે કોઈ સત્તાવાર ફરિયાદ નોંધી નથી, પરંતુ સાયબર સેલ સોશિયલ મીડિયાની પોસ્ટો પર નજર રાખી રહ્યું છે.
મયુરી હાલ પોતાના પરિવાર સાથે છે અને કહે છે કે "હું ડરી નથી. સત્યની હંમેશા જીત થાય છે. પણ હવે બીજી કોઈ દીકરી સાથે આવું ન થાય તે માટે હું અવાજ ઉઠાવીશ."
(2:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
