<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th August 2026

CJI સૂર્યકાંતને 'ચીફ ગેસ્ટ' બનાવવાના વિરોધમાં વિદ્યાર્થીઓ ઉકળ્યા

'કોકરોચ' ટિપ્પણી યાદ કરીને કહ્યું - 'આવા વ્યક્તિના હાથે ડિગ્રી નહીં લઈએ', કેમ્પસમાં ભારે હોબાળો

નવી દિલ્હી : દેશના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતને એક યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપવાના નિર્ણયથી કેમ્પસમાં ભારે વિવાદ સર્જાયો છે. વિદ્યાર્થીઓએ આ નિર્ણયનો જોરદાર વિરોધ કર્યો છે અને સ્પષ્ટ કહ્યું છે કે "અમે કોકરોચ કહેનારાના હાથે ડિગ્રી નથી લેવી".

વાત એમ છે કે CJI સૂર્યકાંતે થોડા સમય પહેલા એક કેસની સુનાવણી દરમિયાન વકીલો અને અરજદારો માટે "કોકરોચ" જેવો શબ્દ વાપર્યો હતો. તે સમયે તેમની આ ટિપ્પણીની સોશિયલ મીડિયા અને કાનૂની વર્તુળોમાં ભારે ચર્ચા થઈ હતી. ઘણા લોકોએ તેને ન્યાયતંત્રની ગરિમાની વિરુદ્ધ ગણાવી હતી.

હવે જ્યારે તે જ ન્યાયાધીશને યુનિવર્સિટી દ્વારા પદવીદાન સમારોહના મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા, ત્યારે વિદ્યાર્થી સંગઠનો ભડકી ઉઠ્યા. 

વિદ્યાર્થીઓનો આક્રોશ
વિદ્યાર્થીઓનું કહેવું છે કે જે વ્યક્તિ સામાન્ય નાગરિકો અને વકીલોનું અપમાન કરે, તેને શૈક્ષણિક સંસ્થાના સૌથી પવિત્ર સમારોહમાં બોલાવવા એ વિદ્યાર્થીઓનું અપમાન છે. 

એક વિદ્યાર્થી નેતાએ કહ્યું "અમે વર્ષોની મહેનત બાદ ડિગ્રી મેળવીએ છીએ. અમારી ડિગ્રી કોઈ એવા વ્યક્તિના હાથે અપાય જે લોકોને જંતુ સમાન સમજે, આ અમને મંજૂર નથી. અમે યુનિવર્સિટી વહીવટી તંત્રને નિર્ણય પાછો ખેંચવાની માંગ કરીએ છીએ."

કેમ્પસમાં પોસ્ટર અને બેનર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા. "No Degree from CJI", "Respect Students, Respect Dignity" જેવા સૂત્રો લખવામાં આવ્યા.

યુનિવર્સિટીનું વલણ
બીજી તરફ યુનિવર્સિટી તંત્રનું કહેવું છે કે CJI દેશના સર્વોચ્ચ પદ પર છે અને તેમને આમંત્રણ આપવું એ સન્માનની વાત છે. તેમની અગાઉની ટિપ્પણી અને આ સમારોહને જોડવા યોગ્ય નથી.

જોકે વિદ્યાર્થીઓ પોતાની વાત પર અડગ છે. તેમણે ચેતવણી આપી છે કે જો આમંત્રણ પાછું નહીં ખેંચાય તો તેઓ સમારોહનો બહિષ્કાર કરશે.

કાનૂની જગતમાં ચર્ચા
આ વિવાદ બાદ કાનૂની નિષ્ણાતો અને શિક્ષણવિદોમાં પણ ચર્ચા શરૂ થઈ છે. સવાલ એ છે કે શું બંધારણીય પદ પર બેઠેલી વ્યક્તિની ભૂતકાળની ટિપ્પણીના કારણે તેનું જાહેર સન્માન રદ કરી શકાય?

હાલ તંત્ર અને વિદ્યાર્થીઓ વચ્ચે બેઠકનો દોર ચાલુ છે. પદવીદાન સમારોહ હજુ થોડા દિવસ દૂર છે, પરંતુ કેમ્પસનું વાતાવરણ તંગ બન્યું છે.

 

(3:19 PM IST)