તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Sunday, 9th August 2026
પશ્ચિમ બંગાળમાં હલીશહરમાં મમતા બેનર્જીના કાફલા પર ઉશ્કેરાયેલ લોકોની ભીડે હુમલો કરી પથ્થરમારો કર્યો
કસ્ટડીમાં ટીએમસી કાર્યકર્તાના મોતથી કોપાયમાન ભીડે ગાડી પર કાદવ અને બૂટ-ચંપલ ફેંક્યા: મમતા બેનર્જીએ જણાવ્યું કે બારી ખુલ્લી હોત તો માથું ફાટી જાત અને પોલીસે હુમલાખોરો સામે કોઈ કાર્યવાહી ન કરી

પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના હલીશહરમાં તૃણમૂલ કોંગ્રેસના પૂર્વ મુખ્યામંત્રી મમતા બેનર્જીના કાફલા પર ઉશ્કેરાયેલી ભીડે હુમલો કરતા ભારે સનસનાટી મચી ગઈ છે.અહેવાલો મુજબ, પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામેલા ટીએમસી કાર્યકર્તાના પરિવારને મળવા જઈ રહેલા મમતા બેનર્જીના વાહનને રોકીને ભીડે પથ્થરમારો અને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
પશ્ચિમ બંગાળના રાજકારણમાં શુક્રવારે સાંજે એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉત્તર 24 પરગણા જિલ્લામાં આવેલા હલીશહર વિસ્તારમાં તૃણમૂલ કોંગ્રેસના સુપ્રિમો અને પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીનો કાફલો પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક સ્થાનિક લોકો અને આક્રોશિત ભીડે તેમના કાફલાને ઘેરી લીધો હતો.
મમતા બેનર્જી પોલીસ કસ્ટડીમાં શંકાસ્પદ સંજોગોમાં જીવ ગુમાવનાર ટીએમસીના એક સ્થાનિક કાર્યકર્તાના શોકગ્રસ્ત પરિવારને સાંત્વના આપવા તેમના ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન રસ્તામાં જ ગુસ્સે ભરાયેલા લોકોએ વાહનોના ક્રોસિંગને અટકાવી દઈને ભારે હોબાળો મચાવ્યો હતો.
ઘટનાસ્થળે હાજર પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ભીડનો આક્રોશ એટલો તીવ્ર હતો કે લોકોએ મમતા બેનર્જીની ગાડીને ચારેય તરફથી ઘેરી લીધી હતી. ઝૂંડમાં આવેલા લોકોએ ગાડી પર કાદવ ફેંક્યો હતો તેમજ પાણીની બોટલો, બૂટ અને ચંપલનો વરસાદ કર્યો હતો.
વિગતો મુજબ, પ્રદર્શનકારીઓએ મમતા બેનર્જી વિરુદ્ધ તીખા નારા લગાવ્યા હતા અને તેમને 'ચોર અને ડાકુઓની રાણી' કહીને સંબોધિત કર્યા હતા. પરિસ્થિતિ અત્યંત ગંભીર બનતાં સુરક્ષા દળો અને પોલીસે તાત્કાલિક સુરક્ષા કોર્ડન બનાવીને મમતા બેનર્જીને તે વિસ્તારમાંથી સલામત બહાર કાઢ્યા હતા.
આ ભયાનક હુમલા બાદ મમતા બેનર્જીએ એક અત્યંત આકરું નિવેદન આપતા જણાવ્યું હતું કે, "પોલીસની હાજરીમાં જ કેટલાક અસામાજિક તત્વોએ મારી ગાડી પર મોટા-મોટા પથ્થરો ફેંક્યા હતા. જો ગાડીની બારીઓ ખુલ્લી હોત તો મારું માથું ફાટી જાત અને અમે બધા માર્યા ગયા હોત."
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે તેમણે પોતાના જીવનમાં ક્યારેય આવું દ્રશ્ય જોયું નથી. રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠાવતા તેમણે આક્ષેપ કર્યો હતો કે પોલીસ નિષ્ક્રિય બનીને ભાજપને પ્રોટેક્શન આપી રહી છે.
(4:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
