News of Sunday, 9th August 2026
નંદુરબારમાં સગીર બાળકો અને યુવાનોનું જાતીય શોષણનો પર્દાફાશ :4 વર્ષથી ચાલતું શોષણ અને બ્લેકમેઇલ : નરાધમના મોબાઇલમાંથી મળ્યા 600 વિડિઓ
-- ગુપ્ત માહિતીના આધારે પોલીસે સક્રિય થઈને આ રેકેટનો પર્દાફાશ કર્યો: પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા, પોક્સો એક્ટ અને બાળ સંભાળ અને સુરક્ષા કાયદાની ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યો

મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં પોલીસે એક અત્યંત ચોંકાવનારો અને માનવતાને શર્મસાર કરતો કિસ્સો બહાર લાવ્યો છે. પોલીસે 22 વર્ષીય એક શંકાસ્પદ યુવકની સગીર બાળકો અને યુવાનોનું જાતીય શોષણ કરવા તથા તેમના અશ્લીલ વીડિયો બનાવવાની ઘટનામાં ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી વર્ષ 2022 થી 6 ઓગસ્ટ 2026 સુધી આ ગંભીર કૃત્ય આચરી રહ્યો હતો.
મળતી માહિતી મુજબ, આરોપી દ્વારા પીડિતોને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને સતત બ્લેકમેલ કરવામાં આવતા હતા. ગુપ્ત માહિતીના આધારે પોલીસે સક્રિય થઈને આ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસ તપાસ દરમિયાન આરોપીના મોબાઇલ ફોનમાંથી આશરે 600 જેટલા વીડિયો મળી આવ્યા છે, જેણે તપાસકર્તાઓને પણ ચોંકાવી દીધા છે.
ઉલ્લેખનીય છે કે આ ગંભીર મામલે પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા, પોક્સો એક્ટ અને બાળ સંભાળ અને સુરક્ષા કાયદાની ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યો છે. તેમજ આરોપી પાસેથી જપ્ત કરાયેલા મોબાઈલ ફોન અને ડિજિટલ પુરાવાઓને ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા છે.
આ ઉપરાંત સબ-ઇન્સ્પેક્ટર અમોલ દેશમુખના નેતૃત્વ હેઠળ પોલીસ ટીમ વીડિયો અને ફોટોગ્રાફ્સમાં દેખાતા પીડિત સગીરોની ઓળખ કરવાની અને તેમના નિવેદનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તેમજ પોલીસ અત્યારે આ દુષ્કૃત્યની વ્યાપકતા કેટલી છે તે નક્કી કરવા માટે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
(5:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
