News of Sunday, 9th August 2026
ઈરાનના સર્વોચ્ચ નેતા મુજતબા ખામેનેઈ ગંભીર હાલતમાં હોવાના ઈઝરાયેલી દાવોઓ વચ્ચે સરકારી મીડિયાએ જાહેર કર્યો વીડિયો, પણ તારીખ વગરના ફૂટેજથી સસ્પેન્સ અકબંધ
પિતા અયાતોલ્લા અલી ખામેનેઈના મોત બાદ સત્તા સંભાળનારા મુજતબા જાહેરમાં ન દેખાતાં વધી રહેલી અફવાઓ, રાષ્ટ્રપતિના વિરોધાભાષી દાવોઓ અને ગુપ્તચર એજન્સીઓની નજર વચ્ચે ઈરાની તંત્રએ રહસ્ય ઘેરું બનાવ્યું

તેહરાન :મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે ઈરાનના નવનિયુક્ત સર્વોચ્ચ નેતા મુજતબા ખામેનેઈના સ્વાસ્થ્ય અને તેમના લોકેશનને લઈને ચાલતી અટકળોમાં નવો વળાંક આવ્યો છે. ઈઝરાયેલ અને પશ્ચિમી મીડિયા દ્વારા મુજતબા અત્યંત નાજુક સ્થિતિમાં હોવાના અથવા તેમનું મૃત્યુ થયું હોવાના અહેવાલો વહેતા કરાયા બાદ, ઈરાનની અર્ધ-સરકારી સમાચાર એજન્સી 'મેહર ન્યૂઝ' દ્વારા એક નવો વીડિયો જારી કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં મુજતબા ખામેનેઈ તેમના સમર્થકો અને વિદ્યાર્થીઓને સંબોધિત કરતા અને તંદુરસ્ત દેખાતા નજરે પડે છે. જોકે, આ વીડિયો ક્યારે શૂટ કરવામાં આવ્યો હતો તેની કોઈ સ્પષ્ટ તારીખ કે સમય દર્શાવવામાં આવ્યો ન હોવાથી ઈરાનના સર્વોચ્ચ નેતા અંગેનું સસ્પેન્સ ઉકેલાવાને બદલે વધુ ઘેરું બન્યું છે.
તાજેતરમાં ઈઝરાયેલના ચાનલ ૧૪ દ્વારા ઈરાન અંદરના સૂત્રોને ટાંકીને અને 'ધ જેરૂસલેમ પોસ્ટ' દ્વારા 'ઈરાન વાયર'ના અહેવાલોના આધારે દાવો કરવામાં આવ્યો હતો કે મુજતબા ખામેનેઈની તબિયત લથડતાં તેમને કટોકટીની સ્થિતિમાં હોસ્પિટલ ખસેડાયા છે. ઈઝરાયેલી રિપોર્ટ્સમાં તો ત્યાં સુધી કહેવામાં આવ્યું હતું કે તેમના શહીદ થવાના સમાચાર ગમે ત્યારે આવી શકે છે. આ દાવાઓ સામે આવ્યા બાદ ઈરાની શાસને તેમની હાજરી સાબિત કરવા માટે વીડિયો જાહેર કરવો પડ્યો છે. સામે પક્ષે ઈરાની વિપક્ષી જૂથો અને આંતરરાષ્ટ્રીય નિરીક્ષકોનું કહેવું છે કે ઈરાની તંત્ર મુજતબાના સ્વાસ્થ્ય કે સ્થિતિ અંગેનું સત્ય છુપાવવા માટે જૂના ફૂટેજ ફરીથી ચલાવીને જનતાને ગેરમાર્ગે દોરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ગત ૨૮ ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત સૈન્ય હુમલામાં પૂર્વ સર્વોચ્ચ નેતા અયાતોલ્લા અલી ખામેનેઈ માર્યા ગયા હતા, જેના તુરંત બાદ તેમના પુત્ર મુજતબા ખામેનેઈએ ઈરાનની કમાન સંભાળી હતી. સર્વોચ્ચ પદ સંભાળ્યા પછી મુજતબાએ આજદિન સુધી એક પણ જાહેર કાર્યક્રમમાં પ્રત્યક્ષ હાજરી આપી નથી. તેઓ માત્ર લેખિત સંદેશાઓ કે મધ્યસ્થીઓ દ્વારા જ શાસનનું સંચાલન કરી રહ્યા છે. તેઓ પોતાના પિતાની અંતિમયાત્રા અને અંતિમસંસ્કારમાં પણ ગેરહાજર રહ્યા હતા.
અમેરિકી ગુપ્તચર એજન્સી સીઆઈએ (CIA) અને ઈઝરાયેલની મોસાદના અહેવાલો મુજબ, ફેબ્રુઆરીના હુમલા દરમિયાન મુજતબા પોતે પણ ઈજાગ્રસ્ત થયા હોવાની શક્યતા છે. પોતાની સુરક્ષા અને ટાર્ગેટ હુમલાઓથી બચવા માટે તેઓ અજ્ઞાત સ્થળે છુપાયેલા છે અને ખુબ જ ધીમી મધ્યસ્થી સિસ્ટમ દ્વારા વરિષ્ઠ અધિકારીઓ સાથે સંપર્કમાં રહે છે. સીઆઈએ અને મોસાદ હાલ માનવ ગુપ્તચર (હ્યુમન ઈન્ટેલિજન્સ) ટેકનિકથી તેમને ટ્રેસ કરવાનો પ્રયાસ કરી રહી છે.
બીજી તરફ, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાનના નિવેદનોથી પણ મુંઝવણ વધી છે. રાષ્ટ્રપતિએ એક સરકારી ટીવી ઈન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે સર્વોચ્ચ નેતા સાથે સીધો સંપર્ક કરવો અત્યંત મુશ્કેલ બની રહ્યો છે. 'ઈરાન ઈન્ટરનેશનલ'ના અહેવાલ અનુસાર, પેઝેશ્કિયાનને તેહરાનના એક ગુપ્ત સ્થળે લઈ જવામાં આવ્યા હતા અને કાળા કાચવાળી વાહનમાં માત્ર થોડી ક્ષણો માટે જ એક વ્યક્તિ સાથે મુલાકાત કરાવાઈ હતી જેને મુજતબા તરીકે ઓળખાવવામાં આવ્યા હતા. જોકે, ત્યારબાદ પેઝેશ્કિયાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર દાવો કર્યો હતો કે તેમણે નવનિયુક્ત સર્વોચ્ચ નેતા સાથે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં અઢી કલાક લાંબી બેઠક કરી હતી. આ વિરોધાભાષી અહેવાલો વચ્ચે ઈરાની હાઈકમાન્ડ મુજતબા ખામેનેઈની સક્રિયતા સાબિત કરવા માટે મથામણ કરી રહ્યું છે, પરંતુ તારીખ વગરના વીડિયોએ અફવાઓનું બજાર વધુ ગરમ કર્યું છે.
(5:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
