તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Sunday, 9th August 2026
ઝારખંડમાં સરકારે આંદોલનકારી વિદ્યાર્થીઓની માંગણીઓ સ્વીકારી: સીએમ હેમંત સોરેનબે ૩ JPSC પરીક્ષાઓ રદ કરવા અને ગડબડીની ED તપાસ કરાવાની જાહેરાત
JPSC અને JSSC ની પરીક્ષા પદ્ધતિમાં સુધારા માટે IIM ની મદદ લેવાશે: સીએમ સોરેને જણાવ્યું કે સંવાદથી જ દરેક સમસ્યાનો ઉકેલ શક્ય છે અને યુવાનોને ન્યાય મળશે.

ઝારખંડમાં પરીક્ષાઓમાં ગડબડી વિરુદ્ધ આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ અને સરકાર વચ્ચે ત્રીજા તબક્કાની મંત્રણા સફળ રહી છે. મુખ્યમંત્રી હેમંત સોરેને વિદ્યાર્થીઓની માંગણીઓ સ્વીકારી ૩ JPSC પરીક્ષાઓ રદ કરવાની સાથે નાણાકીય ગડબડીની ઈડી (ED) તપાસ કરાવવા અને ભ્રષ્ટાચાર કરનારાઓ સામે કડક કાર્યવાહીની જાહેરાત કરી છે.
ઝારખંડની રાજધાની રાંચીમાં છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ધાંધલી અને પેપર લીક અંગે યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આંદોલનકારી વિદ્યાર્થીઓ અને રાજ્ય સરકારના પ્રતિનિધિઓ વચ્ચે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં સકારાત્મક પરિણામો સામે આવ્યા છે.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે રાજ્યના નવજુવાનોનું ભવિષ્ય સુરક્ષિત રાખવું એ શાસનની પ્રાથમિકતા છે અને કોઈપણ પ્રકારના ભ્રષ્ટાચારને સાંખી લેવામાં આવશે નહીં.
સરકાર અને વિદ્યાર્થી પ્રતિનિધિઓ વચ્ચે થયેલી ચર્ચામાં મંત્રીઓ તરફથી આંદોલનકારીઓને મહત્વની બાંહેધરી આપવામાં આવી છે. તાજા વાર્તાલાપ મુજબ મુખ્ય 4 બાબતો પર સંમતિ સાધવામાં આવી છે:
-
ED દ્વારા તપાસ: પરીક્ષા ધાંધલી કેસમાં થયેલી નાણાકીય લેવડ-દેવડની તપાસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ને સોંપવા સરકાર તૈયાર થઈ છે.
-
૩ પરીક્ષાઓ રદ: JPSC બેકલોગ 2023, JPSC બેકલોગ 2025 અને 14મી પ્રિલિમ્સ પરીક્ષા તાત્કાલિક અસરથી રદ કરવામાં આવશે.
-
TDPL એજન્સીની તપાસ: સંબંધિત એજન્સી દ્વારા લેવાયેલી તમામ પરીક્ષાઓની ઝીણવટભરી તપાસ હાથ ધરાશે.
-
સંસ્થાકીય સુધારા: JPSC અને JSSC ની પરીક્ષા પદ્ધતિમાં સુધારા લાવવા આઈઆઈએમ (IIM) અને એક્સઆઈએસએસ (XISS) જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓની મદદ લેવાશે.
આ મહત્વપૂર્ણ નિર્ણય વચ્ચે મુખ્યમંત્રી હેમંત સોરેને આંદોલનકારીઓને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, "અમે ચોરી પકડી પાડી છે અને જેમણે યુવાનોના ભવિષ્ય સાથે રમત રમી છે તેમને કડકમાં કડક સજા મળશે. અમારી સરકારે તમામ નવજુવાનોની ચિંતા કરી છે."
સોરેને વધુમાં ઉમેર્યું કે વિદ્યાર્થીઓએ કોઈપણ રાજકીય છત્રછાયા હેઠળ આવવાની જરૂર નથી. તેમણે કહ્યું કે લોકશાહીમાં દરેક સમસ્યાનો ઉકેલ સંવાદથી જ શક્ય બને છે, લાઠી કે બળપ્રયોગથી કોઈ ઉકેલ આવતો નથી.
(7:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
