<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th August 2026

IPO માર્કેટમાં ધમાકો! શિપ્રોકેટ અને ધૂત ટ્રાન્સમિશન સહિત ૯ કંપનીઓ લાવશે ₹૭,૬૮૧ કરોડના ઈશ્યૂ; કમાણીની સોનેરી તક

૧૦ થી ૧૪ ઓગસ્ટ દરમિયાન મેઈનબોર્ડ અને SME સેગમેન્ટમાં પ્રાથમિક શેરબજાર ધમધમશે : ધૂત ટ્રાન્સમિશનનો ₹૩,૦૬૬ કરોડનો સબથી મોટો IPO, મિલ્કી મિસ્ટ અને મોલ્બિયો ડાયગ્નોસ્ટિક્સ પણ રોકાણકારોને આકર્ષવા તૈયાર

મુંબઈ: ભારતીય શેરબજારમાં આગામી સપ્તાહ રોકાણકારો માટે કમાણીનો મોટો તકોનો પિટારો લઈને આવી રહ્યું છે. ૧૦ થી ૧૪ ઓગસ્ટ દરમિયાન પ્રાથમિક શેરબજાર  માં ભારે ઉત્સાહ જોવા મળશે, જ્યાં મેઈનબોર્ડ અને SME સેગમેન્ટ મળીને એક સાથે ૯ કંપનીઓ પોતાના આઈપીઓ  લોન્ચ કરવા જઈ રહી છે. આ તમામ કંપનીઓ મૂડીબજારમાંથી આશરે ₹૭,૬૮૧ કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. ઇ-કોમર્સ લોજિસ્ટિક્સ પ્લેટફોર્મ 'શિપ્રોકેટ', ડેરી બ્રાન્ડ 'મિલ્કી મિસ્ટ' અને હેલ્થકેર ક્ષેત્રની 'મોલ્બિયો ડાયગ્નોસ્ટિક્સ' જેવા મોટા નામો આ સપ્તાહે શેરબજારમાં ધમાકેદાર એન્ટ્રી કરવા જઈ રહ્યા છે.

આગામી સપ્તાહના આઈપીઓ ધમાકામાં સૌથી મોટો ઈશ્યૂ 'ધૂત ટ્રાન્સમિશન' (Dhoot Transmission) નો રહેશે, જે ૧૦ ઓગસ્ટે ખુલશે અને ૧૨ ઓગસ્ટે બંધ થશે. કંપની ₹૮૨૯ થી ₹૮૭૧ ની પ્રાઈસ બેન્ડ સાથે ₹૩,૦૬૬.૮૯ કરોડ જુટાવા માંગે છે. તે જ દિવસે હેલ્થકેર સેક્ટરની 'મોલ્બિયો ડાયગ્નોસ્ટિક્સ' પણ ₹૭૬૮ થી ₹૮૦૭ ની પ્રાઈસ બેન્ડ પર ₹૯૩૯.૭૦ કરોડનો ઈશ્યૂ લાવશે. ત્યારબાદ ૧૧ ઓગસ્ટે 'મિલ્કી મિસ્ટ ડેરી ફૂડ્સ' નો ₹૧,૫૫૩ કરોડનો આઈપીઓ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે. ઈ-કોમર્સ ક્ષેત્રે મોટું નામ ધરાવતી કંપની 'શિપ્રોકેટ' ૧૨ ઓગસ્ટે પોતાનો ₹૧,૬૧૭.૪૮ કરોડનો આઈપીઓ લાવશે, જેમાં પ્રતિ શેર ₹૯૨ થી ₹૯૭ ની પ્રાઈસ બેન્ડ નક્કી કરવામાં આવી છે.

માત્ર મેઈનબોર્ડ જ નહીં પરંતુ નાના અને મધ્યમ કદના સાહસો (SME) સેગમેન્ટમાં પણ ચાર નવી કંપનીઓ એન્ટ્રી કરવા જઈ રહી છે. ૧૩ ઓગસ્ટે 'શામ ફોમ' અને 'ફેસિનેટ ટેક્સટાઈલ' ના આઈપીઓ ખુલશે, જ્યારે ૧૪ ઓગસ્ટે 'Q&T ફૂડ્સ' અને 'પ્રમોદિની મેડિકેર' ના સબ્સ્ક્રિપ્શન શરૂ થશે. નાણાકીય નિષ્ણાતોના મતે, ઓગસ્ટના બીજા સપ્તાહમાં પ્રવાહિતા વધવાની સાથે પ્રાથમિક બજારમાં રોકાણકારો માટે લિસ્ટિંગ ગેન અને લાંબા ગાળાના રોકાણના સારા વિકલ્પો ઉપલબ્ધ બનશે. જોકે, રોકાણ કરતા પહેલાં દરેક કંપનીના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (RHP) અને નાણાકીય સ્થિતિનો અભ્યાસ કરવાની સલાહ આપવામાં આવે છે.

(8:27 PM IST)