<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th August 2026

ખેડૂતોના હકમાં સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય: ૪,૪૨૭ દિવસના વિલંબ છતાં બંધારણની ખાસ સત્તા વાપરી વળતરમાં કર્યો મોટો વધારો

એક જ નોટિફિકેશન હેઠળ સંપાદિત જમીન માટે સમાન વળતરનો સિદ્ધાંત સ્વીકારી કલમ ૧૪૨ હેઠળ કર્ણાટકના બાગલકોટના ખેડૂતોને પ્રતિ એકર રૂ. ૬.૫ લાખનું વળતર મંજૂર કર્યું : પરંતુ વિલંબના સમયગાળાનું વ્યાજ ચૂકવવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો

નવી દિલ્હી:  દેશની સર્વોચ્ચ અદાલતે જમીન સંપાદનના એક કેસમાં ખેડૂતોના હિતમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને આશ્વાસનરૂપ ચુકાદો આપ્યો છે. બંધારણની કલમ ૧૪૨ હેઠળ પોતાની અસાધારણ સત્તાઓનો ઉપયોગ કરીને સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ એક જ જાહેરનામા (નોટિફિકેશન) હેઠળ અલગ-અલગ ખેડૂતોની જમીન સંપાદિત કરવામાં આવી હોય, તો તમામ જમીન માલિકોને એકસરખા દરે જ વળતર મળવું જોઈએ. જસ્ટિસ એસ.વી.એન. ભટ્ટી અને જસ્ટિસ એન.વી. અંજારિયાની ખંડપીઠે કર્ણાટકના બાગલકોટ જિલ્લાના જમીન ગુમાવનારા ખેડૂતોની અરજી પર સુનાવણી કરતી વખતે આ સિદ્ધાંતના આધારે વળતરની રકમ પ્રતિ એકર રૂ. ૫ લાખથી વધારીને રૂ. ૬.૫ લાખ કરવાની મંજૂરી આપીને પીડિત ખેડૂતો માટે સંપૂર્ણ ન્યાય સુનિશ્ચિત કર્યો છે.

આ કાનૂની લડાઈનો ઇતિહાસ ૧૧ ફેબ્રુઆરી, ૧૯૯૯ના જાહેરનામાથી શરૂ થાય છે, જેના હેઠળ અપર કૃષ્ણા પ્રોજેક્ટ માટે જમીન સંપાદિત કરવામાં આવી હતી. તત્કાલીન સમયે રેફરન્સ કોર્ટે વર્ષ ૨૦૦૧માં આ જમીન માટે પ્રતિ એકર રૂ. ૩ લાખનું વળતર નક્કી કર્યું હતું. આ આદેશથી અસંતુષ્ટ ખેડૂતોએ હાઈકોર્ટના દરવાજા ખખડાવતા હાઈકોર્ટે વળતર વધારીને પ્રતિ એકર રૂ. ૫ લાખ કર્યું હતું. જોકે, એ જ નોટિફિકેશન હેઠળ સંપાદિત થયેલી અન્ય જમીનો માટે સુપ્રીમ કોર્ટે અગાઉના અન્ય એક કેસમાં પ્રતિ એકર રૂ. ૬.૫ લાખનું વળતર માન્ય રાખ્યું હોવાથી, અપીલકર્તા ખેડૂતોએ પણ સમાન ન્યાય અને સમાન વળતરની માંગ સાથે સર્વોચ્ચ અદાલતમાં વિલંબથી અરજી દાખલ કરી હતી.

સામે પક્ષે જમીન સંપાદન સત્તામંડળ અને રાજ્ય સરકારે અપીલ કરવામાં થયેલા અતિશય વિલંબને મુદામાલ બનાવીને ખેડૂતોની માંગનો સખત વિરોધ કર્યો હતો. નોંધનીય છે કે હાઈકોર્ટમાં ૨,૩૮૩ દિવસ અને સુપ્રીમ કોર્ટમાં ૨,૦૪૪ દિવસ મળીને કુલ ૪,૪૨૭ દિવસ (લગભગ ૧૨ વર્ષ) નો અસાધારણ વિલંબ થયો હતો. પરંતુ, સુપ્રીમ કોર્ટે ખેડૂતોની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્પષ્ટ કર્યું કે વિલંબના આધારે સમાન વળતરના અધિકારથી વંચિત રાખી શકાય નહીં. અદાલતે કલમ ૧૪૨ અંતર્ગત વળતરનો દર પ્રતિ એકર રૂ. ૬.૫ લાખ નક્કી કર્યો. જોકે, ન્યાય અને શિસ્તનું સંતુલન જાળવીને કોર્ટે એક શરત પણ મૂકી કે આ ૪,૪૨૭ દિવસના વિલંબિત સમયગાળા માટે ખેડૂતોને વધારાની રકમ પર કોઈ વ્યાજ ચૂકવવામાં આવશે નહીં.

(9:47 PM IST)