હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સ્વતંત્રતા દિવસ પૂર્વે દિલ્હીમાં આતંકી ષડયંત્રનો પર્દાફાશ: ISIના ઇશારે જંતર-મંતર પર હુમલાનું મોટું કાવતરું
પંજાબથી દિલ્હી પહોંચેલા આતંકીઓએ સુરક્ષા દળો પર પેટ્રોલ બોમ્બ ફેંકવાની યોજના બનાવી હતી : ઘટના સ્થળથી લઈને રેલ્વે સ્ટેશન સુધીના CCTV ફૂટેજ ખંગાળતી સ્પેશિયલ સેલ અને કેન્દ્રીય એજન્સીઓ

નવી દિલ્હી: ૧૫ ઓગસ્ટની રાષ્ટ્રીય ઉજવણી પૂર્વે રાજધાની દિલ્હી પર આતંકવાદી હુમલાનું મોટું જોખમ તોળાઈ રહ્યું છે. પાકિસ્તાન સમર્થિત ISI અને આતંકી શહેજાદ ભટ્ટી મોડ્યુલના 'દિલ્હી કનેક્શન'નો પર્દાફાશ થયા બાદ દિલ્હી પોલીસનો સ્પેશિયલ સેલ અને કેન્દ્રીય અસૂચના એજન્સીઓ અત્યંત હાઈ એલર્ટ પર છે. અમૃતસર પોલીસે ઝડપેલા આતંકવાદી વંશ કુમારની પૂછપરછ દરમિયાન 'ઓપરેશન દિલ્હી'નો ખુલાસો થયો છે. સુરક્ષા એજન્સીઓને આશંકા છે કે સ્વતંત્રતા દિવસ પહેલા દેશમાં દહેશતનો માહોલ ઉભો કરવા માટે પાકિસ્તાની હેન્ડલર્સ સ્થાનિક મોડ્યુલનો ઉપયોગ કરી રહ્યા છે, જેને પગલે સોશિયલ મીડિયા, ડિજિટલ પ્લેટફોર્મ્સ અને પાકિસ્તાનથી આવતા કોલ્સ પર કડક નજર રાખવામાં આવી રહી છે.
તપાસ દરમિયાન સામે આવેલા તથ્યો અનુસાર, પાકિસ્તાની આકાઓના આદેશથી દેવ સિંહ, વિશાલ ઉર્ફે ગંગુ, વંશ કુમાર, રોહિત અને સુખદીપ સિંહ અમૃતસરથી ટ્રેન મારફતે નવી દિલ્હી પહોંચ્યા હતા. નવી દિલ્હી રેલ્વે સ્ટેશનેથી આ જૂથ સીધું જંતર-મંતર ગયું હતું, જ્યાં પાકિસ્તાની હેન્ડલર દ્વારા મોકલવામાં આવેલો ઉત્તર પ્રદેશનો એક અજાણ્યો શંકાસ્પદ શખ્સ તેમને મળ્યો હતો. આ શંકાસ્પદે આતંકીઓને આઠ કાચની બોટલો સોંપી હતી અને જંતર-મંતર પર તૈનાત દિલ્હી પોલીસ, ભારતીય સેના તેમજ અર્ધલશ્કરી દળોના જવાનો પર પેટ્રોલ બોમ્બ વડે હુમલો કરવાનો આદેશ આપ્યો હતો. એટલું જ નહીં, જંતર-મંતરથી આતંકીઓએ પાકિસ્તાનમાં બેઠેલા પોતાના મુખ્ય આકાઓ સાથે સીધો ફોન પર સંપર્ક પણ કર્યો હતો.
આ ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવ્યા બાદ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની એક વિશેષ ટીમ હાલ અમૃતસરમાં ડેરા તંબુ તાણીને બેઠી છે અને પંજાબ પોલીસ સાથે મળીને સંયુક્ત તપાસ ચલાવી રહી છે. આતંકીઓના દાવાની સત્યતા ચકાસવા માટે નવી દિલ્હી રેલ્વે સ્ટેશનથી લઈને જંતર-મંતર સુધીના માર્ગો પરના સેંકડો CCTV ફૂટેજ બારીકાઈથી ખંગાળવામાં આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશના શંકાસ્પદ હેન્ડલરની ઓળખ કરવા તથા આતંકી રૂટ, ટેકનિકલ પુરાવા અને ફોરેન્સિક પુરાવા એકત્ર કરવા માટે એજન્સીઓ દિન-રાત એક કરી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
