<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th August 2026

પીએમ મોદીની ગ્લાસગો CWG 2026 ના તમામ 39 મેડલ વિજેતા ભારતીય એથ્લેટ્સ સાથે મુલાકાત :ખેલાડીઓને આપ્યો "જો ખેલશે,એ ખિલશે"નો મંત્ર : જુઓ વિડીયો

ભારતે ગ્લાસગોમાં 13 ગોલ્ડ, 17 સિલ્વર અને 9 બ્રોન્ઝ સાથે શાનદાર પ્રદર્શન કર્યું:પીએમ મોદીએ તમામ ખેલાડીઓ સાથે મુલાકાત કરી અને ગ્લાસગોમાં તેમના અનુભવ વિશે જાણ્યું:દેશનું ગૌરવ વધારનારા ખેલાડીઓ સાથે વડાપ્રધાને પોતાના વિચારો પણ શેર કર્યા

કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતનો પ્રવાસ શાનદાર રહ્યો હતો. અનેક મહત્ત્વની રમતો સામેલ ન હોવા છતાં ભારતીય ખેલાડીઓએ ગ્લાસગોમાં પોતાનો દમ બતાવ્યો હતો અને કુલ 39 મેડલ સાથે તમામ દેશોમાં ચોથું સ્થાન મેળવ્યું હતું. 

 મેડલ વિજેતા ખેલાડીઓ જ્યારે અલગ-અલગ સમયે દેશ પરત ફર્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જોકે, તમામ મેડલ વિજેતાઓ માટે સૌથી ખાસ પળ ત્યારે આવી જ્યારે તેઓ લોક કલ્યાણ માર્ગ સ્થિત વડાપ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ CWG 2026ના તમામ મેડલ વિજેતાઓનું પોતાના નિવાસસ્થાને સ્વાગત કર્યું હતું અને ખેલાડીઓ સાથે મુલાકાત કરીને તેમના અનુભવો સાંભળ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાને દેશના નામ એક ખાસ સંદેશ પણ આપ્યો હતો કે, “જે રમશે, એ ખીલશે.

 

રવિવાર, 9 ઓગસ્ટની સાંજે 7 લોક કલ્યાણ માર્ગ સ્થિત વડાપ્રધાન મોદીના નિવાસસ્થાને કોમનવેલ્થ ગેમ્સ 2026ના મેડલ વિજેતાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ દરમિયાન પીએમ મોદીએ તમામ ખેલાડીઓ સાથે મુલાકાત કરી અને ગ્લાસગોમાં તેમના અનુભવ વિશે જાણ્યું હતું. દેશનું ગૌરવ વધારનારા ખેલાડીઓ સાથે વડાપ્રધાને પોતાના વિચારો પણ શેર કર્યા હતા.

આ મુલાકાતનો અંત એક ખાસ ઇન્સ્ટાગ્રામ રીલ સાથે થયો હતો, જે ખુદ વડાપ્રધાન મોદીએ પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

રીલમાં પીએમ મોદી સાથે તમામ CWG મેડલ વિજેતાઓ જોવા મળ્યા હતા. બોક્સિંગમાં ગોલ્ડ મેડલ જીતનાર સાક્ષી ચૌધરીના હાથમાં કેમેરા હતો.

 

સાક્ષીએ જણાવ્યું હતું કે તમામ મેડલ વિજેતાઓ માટે વડાપ્રધાનને મળવું ગર્વની વાત હતી અને તેઓ આ મુલાકાતથી ખૂબ જ ખુશ હતા.

ત્યારબાદ વડાપ્રધાન મોદીએ ખાસ સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું, “જે રમશે, એ ખીલશે. હંમેશાં ભારત માટે ચીયર કરતા રહો. ભારત માતા કી જય.”

આ પહેલીવાર નથી જ્યારે વડાપ્રધાન મોદીએ મેડલ વિજેતા ખેલાડીઓ સાથે મુલાકાત કરી હોય. આ પહેલાં ટોક્યો ઓલિમ્પિક બાદ પણ તેમણે ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપડા સહિત તમામ મેડલ વિજેતાઓ અને ભાગ લેનારા ખેલાડીઓને પોતાના નિવાસસ્થાને આમંત્રિત કરીને તેમની સાથે મુલાકાત કરી હતી.

આ જ રીતે પેરિસ ઓલિમ્પિક બાદ પણ પીએમ મોદીએ ખેલાડીઓની મેજબાની કરી હતી. આ ઉપરાંત તેઓ ટી-20 વર્લ્ડ કપ 2024 જીતનારી ભારતીય પુરુષ ટીમ અને વનડે વર્લ્ડ કપ 2025 જીતનારી ભારતીય મહિલા ટીમને પણ મળી ચૂક્યા છે.

(10:30 PM IST)