હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આ ખેડૂતનું કેવું નસીબઃ દીકરો પૈસા વાપરી ન નાખે એટલે ખેતરમાં દાટી દીધા ૫ લાખ, પણ ૧ વર્ષમાં ઉધઈ ચટ કરી ગઈ

બાલોતરા,તા.૧૦: લો બોલો! એક ખેડૂતે પત્ની અને દીકરાથી ૫ લાખ રૂપિયા છુપાવીને રાખ્યા હતા, પણ ખેડૂતનું નસીબ તો જુઓ...૫ લાખ રૂપિયા ઉધઈ ચટ કરી ગઈ. આ મામલો રાજસ્થાનના બાલોતરા જિલ્લાનો છે, જ્યાં માંગીલાલ મેઘવાલ નામના ખેડૂતે એક વર્ષ પહેલા એક પ્લોટ વેચ્યો હતો અને તેમને ૫ લાખ રૂપિયા મળ્યા હતા. તેમણે આ પૈસા ખેતરમાં દાટી લીધા હતા.
માંગીલાલને નશાની લત અને ભૂલવાની બીમારી હતી, જેથી પૈસાને દાટીને તેઓ ક્યાં પૈસા દાટ્યા તે જગ્યા જ ભૂલી ગયા. આ પછી તેમણે પૈસા ઘણા શોધ્યા પણ મળ્યા નહીં. જે બાદ તેમણે આ અંગે પત્ની અને દીકરાના જાણ કરી, પણ ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. જ્યારે પૈસા મળ્યા, ત્યારે તેમાં ઉધઈ લાગી ગઈ હતી. કેટલીક નોટો ઉધઈ ખાઈ ગઈ હતી.
માંગીલાલ મેઘવાલ નેવાઈ ગામમાં પોતાના ખેતરમાં પરિવાર સાથે રહે છે. બાલોતરા જિલ્લાના પચપદરામાં તેમનો એક પ્લોટ હતો, જે પ્લોટ વેચ્યા પછી તેઓ ખેતરમાં ઓરડી બનાવવા માંગતા હતા. તેમને ડર હતો કે ક્યાંક તેમના પૈસા ચોરાઈ ન જાય કે તેમનો દીકરો આ રૂપિયા વાપરી ન નાખે. આ કારણે તેમણે મોડી રાત્રે ૫ લાખ રૂપિયા પ્લાસ્ટિક (પોલીથીન)ની થેલીમાં મૂકીને ખેતરમાં ખાડો ખોદીને છુપાવી દીધા. તેમણે આ અંગે કોઈને પણ કહ્યું નહોતું. થોડા સમય પછી જ્યારે ખેતરમાં ઓરડી બનાવવા માટે પૈસાની જરૂર પડી, ત્યારે તેમણે તે પૈસા બહાર કાઢવાનું વિચાર્યું. ત્યાં સુધીમાં તેઓ તે જગ્યા ભૂલી ગયા હતા, જ્યાં તેમણે પૈસા દાટ્યા હતા. ઘણા દિવસો સુધી પૈસા શોધ્યા, પણ ૧૦ વીઘાના ખેતરમાં તે જગ્યા તેમને મળી શકી નહીં. જ્યારે તેમણે આ અંગે પત્ની અને દીકરાઓને કહ્યું ત્યારે પહેલાં તેઓએ આ વાત પર વિશ્વાસ જ ન કર્યો. અંતે માંગીલાલની વાત માનીને પરિવારજનોએ પૈસા શોધવાના શરૂ કર્યા, પણ તેમને પણ પૈસા મળ્યા નહીં.
લગભગ એક વર્ષ પછી વરસાદ પડ્યા બાદ ખેતરમાં વાવણીનું કામ શરૂ થયું. તે દરમિયાન એક રાતે પૈસાની થેલી બહાર આવી ગઈ, પણ રાતના અંધારામાં કોઈની નજર પડી નહીં. સવારે જ્યારે તેમની પત્ની અને દીકરો ખેતરમાં કામ કરી રહ્યા હતા, ત્યારે તેમની નજર તે થેલી પર પડી. બંનેએ જ્યારે તે થેલી ખોલી તો તેમના હોશ જ ઉડી ગયા. થેલીમાં ઉધઈએ ખાઘેલી ૫૦૦-૫૦૦ની નોટના ટૂકડા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
