<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

ઝારખંડઃ છાત્ર આંદોલનઃ પોલીસ લાઠીચાર્જઃ પાણીનો મારો

રાંચીમાં JPSC-JSSCમાં ગેરરીતિ વિરૂધ્‍ધ હજારોની સંખ્‍યામાં છાત્રો વિધાનસભા નજીક પહોંચતા તનાવઃ ધેરાવનો પ્રયાસઃ બેરીકેડિંગ તોડી : છાત્રોનો વળતો પ્રહારઃ જુતા-ચપ્‍પલ-પથ્‍થરમારો કરતાં અનેક પોલીસ ઘાયલઃ છાત્રોએ રાષ્‍ટ્રગીત ગાયું: લાઠી-પાણીથી ડરતા નહી હોવાનું એલાન

રાંચી, તા.૧૦: ઝારખંડની રાજધાની રાંચી એક કુરુક્ષેત્રમાં ફેરવાઈ ગઈ હતી, જ્‍યાં JPSC અને JSSC પરીક્ષાઓમાં થયેલી કથિત ગેરરીતિઓ તથા પેપર લીક સામે વિદ્યાર્થીઓનો આક્રોશ ફાટી નીકળ્‍યો હતો. અગાઉ સરકાર સાથે પાંચ કલાકથી વધુ ચાલેલી ત્રણ રાઉન્‍ડની વાટાઘાટોમાં ઘ્‍ગ્‍ત્‍ તપાસ સહિતના મુખ્‍ય મુદ્દાઓ પર કોઈ સહમતિ ન સધાતાં, હજારો યુવાનોએ યોગદા કોલેજથી વિધાનસભા ઘેરાવ તરફ પ્રયાણ કર્યું હતું. વિદ્યાર્થીઓ સામે પ્રશાસનની તમામ તૈયારીઓ વામણી સાબિત થઈ રહી હતી. વિધાનસભા વિસ્‍તારમાં શાંતિ જાળવવા કલમ ૧૬૩ લાગુ કરવામાં આવી હતી અને રસ્‍તાઓ પર કાંટાળા તાર તથા બેરીકેટ્‍સના મજબૂત સ્‍તરો ઉભા કરાયા હતા. પરંતુ પોતાના ભવિષ્‍ય માટે લડી રહેલા ઉમેદવારોએ એક પછી એક એમ તમામ સાતેય બેરીકેડ તોડી પાડીને આગળ વધવાનું ચાલુ રાખ્‍યું હતું. સતત વિરોધના કારણે પોલીસ વોટર કેનનથી પાણીનો મારો ચલાવી રહી હતી, છતાં યુવાનો બેરીકેડ પર ચડીને નાચી રહ્યા હતા અને પોતાના હકની માંગણીઓ પોકારી રહ્યા હતા.

સ્‍થિતિ ત્‍યારે વધુ વણસી જ્‍યારે વિદ્યાર્થીઓ છેલ્લું બેરીકેડ પાર કરીને વિધાનસભાની સાવ નજીક પહોંચી ગયા. પ્રદર્શનકારીઓને વિખેરવા માટે પોલીસે આખરે હળવો લાઠીચાર્જ શરૂ કર્યો, જેના ઉત્તરમાં સ્‍થિતિ તંગ બની હતી. આ ઘર્ષણ દરમિયાન સામસામે પથ્‍થરમારો અને ચંપલ ફેંકવાની ઘટનાઓ બની હતી, જેમાં એક પોલીસકર્મીના માથામાં ઈજા પહોંચી હતી તેમજ કેટલાક અધિકારીઓ પણ ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

આ સંગ્રામ વચ્‍ચે વિદ્યાર્થી નેતા દેવેન્‍દ્ર નાથ મહતોએ સરકારને ચેતવણી આપતા જણાવ્‍યું હતું કે સરકાર યુવાનોની ધીરજની કસોટી ન લે, કારણ કે ઝારખંડમાં નોકરીઓ વેચાઈ રહી છે અને કોઈ બેરીકેડ યુવાનોના ભવિષ્‍યને રોકી શકશે નહીં. સાતમું બેરીકેડ તૂટયા બાદ વિદ્યાર્થીઓ અલગ-અલગ જૂથોમાં વહેંચાઈને આગળ વધી રહ્યા છે, જેને પગલે સ્‍થળ પર વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે અને સમગ્ર રાંચીમાં ભારેલા અગ્નિ જેવી સ્‍થિતિ પ્રવર્તી રહી છે.

સાતમો બેરિકેડ તૂટતાની સાથે જ આંદોલનકારીઓ નાના-નાના જૂથોમાં વહેંચાઈને વિભિન્ન માર્ગો પરથી વિધાનસભા તરફ ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા છે. વહીવટીતંત્રએ વધુ પોલીસ કાફલો ઘટનાસ્‍થળે ખડકી દીધો છે પરંતુ યુવા શક્‍તિની આ સુનામી સામે વહીવટી તંત્રના તમામ પ્રયાસો નિષ્‍ફળ સાબિત થઈ રહ્યા છે. રાંચીમાં હાલ ભારે ઉત્તેજના અને તંગદિલીનો માહોલ છે; હવે જોવાનું એ રહેશે કે સરકાર સીબીઆઈ તપાસની આ મુખ્‍ય માંગ સામે નમતું જોખે છે કે પછી આ યુવા આંદોલન ઝારખંડના રાજકારણમાં એક નવો ભીષણ વળાંક લાવશે.

(2:41 PM IST)