<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

'મને નરેન્દ્ર નામ પ્રત્યે જ નફરત થઈ ગઈ છે...': ભારતીય બોક્સર નરેન્દ્ર બેરવાલે પીએમ મોદીને સંભળાવી પાકિસ્તાની ખેલાડીની રમૂજી વાર્તા, સાંભળીને સૌ કોઈ ખડખડાટ હસી પડ્યા

2026 કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનાર બેરવાલે વર્લ્ડ મિલિટરી ગેમ્સનો કિસ્સો શેર કર્યો; પીએમ આવાસ પર યોજાયેલા ખાસ સન્માન સમારોહમાં વાતાવરણ હળવાશભર્યું બન્યું

નવી દિલ્હી: તા.૧૦: તાજેતરમાં પૂરી થયેલી 2026 ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ પોતાના શાનદાર પ્રદર્શનથી દેશનું નામ રોશન કર્યું છે. આ ઐતિહાસિક સફળતા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને તમામ મેડલ વિજેતા ખેલાડીઓનું ભવ્ય સન્માન કર્યું હતું. આ ખાસ મુલાકાત દરમિયાન ભારતીય બોક્સર નરેન્દ્ર બેરવાલે પીએમ મોદી સાથે એક એવો રસપ્રદ અને રમુજી કિસ્સો શેર કર્યો, જેને સાંભળીને પીએમ મોદી સહિત ત્યાં હાજર તમામ રમતવીરો ખડખડાટ હસી પડ્યા હતા.

બેરવાલે 2015ની વર્લ્ડ મિલિટરી ગેમ્સનો કિસ્સો યાદ કરતા જણાવ્યું હતું કે, "સાહેબ, પાકિસ્તાન વિશે વાત નીકળી એટલે મને એક યાદગાર પ્રસંગ સાંભર્યો. વર્લ્ડ મિલિટરી ગેમ્સમાં મારી પહેલી જ મેચ પાકિસ્તાની બોક્સર સામે હતી. આર્મીના અધિકારીઓએ મને સ્પષ્ટ કહ્યું હતું કે ગમે તે થાય પરંતુ પાકિસ્તાન સામે હારવાનું નથી. મેં કડક ફાઈટ આપીને મેચ તો જીતી લીધી, પરંતુ રિંગમાં માથા અથડાવાને કારણે અમારા બંનેના માથા પર કાપ પડ્યો હતો અને અમારે ટાંકા લેવા માટે હોસ્પિટલ જવું પડ્યું હતું."

હોસ્પિટલમાં બનેલી રમૂજી ઘટનાનો ઉલ્લેખ કરતા બોક્સરે આગળ ઉમેર્યું, "તમે 2014માં દેશના વડા પ્રધાન બન્યા હતા અને અમારી સાથે આવેલા આર્મીના કોચનું નામ નરેન્દ્ર રાણા હતું. હોસ્પિટલમાં સારવાર દરમિયાન પાકિસ્તાની બોક્સરે મારી સામે જોઈને કહ્યું, 'ભાઈ, તમારું નામ નરેન્દ્ર છે, તમારા કોચનું નામ પણ નરેન્દ્ર છે અને તમારા વડા પ્રધાન પણ નરેન્દ્ર છે... મને તો હવે આ 'નરેન્દ્ર' નામ પ્રત્યે જ નફરત થઈ ગઈ છે!'" બેરવાલના મુખેથી આ વાત સાંભળીને પીએમ મોદી પોતાનું હાસ્ય રોકી શક્યા નહોતા.

ઉલ્લેખનીય છે કે, 2026ની આ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે ૧૭ ગોલ્ડ, ૧૭ સિલ્વર અને ૯ બ્રોન્ઝ સહિત કુલ ૩૯ મેડલ જીતીને મેડલ ટેલીમાં ચોથું સ્થાન હાંસલ કર્યું છે. આ શ્રેણીમાં બોક્સિંગ ભારતીય ટુકડી માટે સૌથી સફળ રમત સાબિત થઈ હતી, જેમાં ભારતે ૭ ગોલ્ડ સહિત ૧૦ મેડલ પોતાના નામે કર્યા હતા. મહિલા બોક્સરોએ પણ સાતમાંથી પાંચ ગોલ્ડ મેળવીને ઈતિહાસ રચ્યો હતો. આ સિવાય જુડોમાં પણ અસ્મિતા ડે અને હર્ષ સિંહે ગોલ્ડ જીતીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો હતો.

(3:41 PM IST)