News of Monday, 10th August 2026
ઝારખંડમાં ભરતી કૌભાંડ સામે વિદ્યાર્થીઓનો પ્રચંડ હોબાળો: વિધાનસભા તરફ કૂચ કરી રહેલા પ્રદર્શનકારીઓ પર પોલીસનો લાઠીચાર્જ, CID એ JPSCના પૂર્વ ચેરમેન એલ. ખિયાંગટેની કરી ધરપકડ
હિંસક વિરોધ પ્રદર્શન વચ્ચે હેમંત સોરેન સરકારની મોટી કાર્યવાહી; CID બાદ હવે ED ની પણ ધમાકેદાર એન્ટ્રી, ભૂખ હડતાળ પર બેઠેલા વિદ્યાર્થી નેતા દેવેન્દ્રનાથ મહતો એમ્બ્યુલન્સમાં કૂચમાં જોડાતા માહોલ ગરમાયો

રાંચી: તા.૧૦: ઝારખંડમાં વિવિધ સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓમાં થયેલી કથિત ગેરરીતિઓ અને પેપર લીકના મુદ્દે વિદ્યાર્થીઓનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. રાજધાની રાંચીમાં હજારો ઉમેદવારોએ સોમવારે ઝારખંડ વિધાનસભાનો ઘેરાવ કરવા માટે પ્રચંડ કૂચ કરી હતી. સ્થિતિ કાબૂ બહાર જતાં પોલીસે પ્રદર્શનકારીઓને રોકવા માટે વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો અને આકરો લાઠીચાર્જ કર્યો હતો. આ તરફ વધતા જતા જનઆક્રોશ વચ્ચે હેમંત સોરેન સરકારે મોટું કદમ ઉઠાવતાં ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશન (JPSC)ના ભૂતપૂર્વ ચેરમેન એલ. ખિયાંગટેની સીઆઈડી (CID) મારફતે ધરપકડ કરાવી છે.
ભરતી કૌભાંડ કેસમાં સીઆઈડી દ્વારા કરવામાં આવેલી આ ૨૦મી હાઈપ્રોફાઈલ ધરપકડ છે. આ અગાઉ સીઆઈડીએ નાયબ પરીક્ષા નિયંત્રક સહિત ૧૯ શંકાસ્પદોની ધરપકડ કરી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે, JPSCના અધ્યક્ષ એલ. ખિયાંગટેએ ૨૨ જુલાઈના રોજ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું, જેના બાદ સીઆઈડી દ્વારા તેમની કડક પૂછપરછ કરવામાં આવી રહી હતી. રવિવારે જ કમિશનના અન્ય ત્રણ સભ્યો - અજિતા ભટ્ટાચાર્ય, અનિમા હંસદા અને જમાલ અહેમદે પણ રાજીનામા આપી દીધા હતા. આ સમગ્ર મામલામાં હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની પણ એન્ટ્રી થઈ ગઈ છે. EDએ PMLA હેઠળ મની લોન્ડરિંગનો કેસ નોંધીને આર્થિક ગુનાઓની તપાસ શરૂ કરી દીધી છે.
બીજી તરફ, રસ્તાઓ પર ઉતરેલા હજારો વિદ્યાર્થીઓ JSSC-CGL સહિતની તમામ શંકાસ્પદ પરીક્ષાઓ રદ કરવાની અથવા સમગ્ર કૌભાંડની CBI તપાસ કરાવવાની માંગ પર અડગ છે. વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલા ઝારખંડ લોકતાંત્રિક ક્રાંતિકારી મોરચા (JLKM) ના નેતા દેવેન્દ્રનાથ મહતો છેલ્લા નવ દિવસથી અન્નજળ ત્યાગીને ભૂખ હડતાળ પર છે. ૧૦.૫ કિલોગ્રામ વજન ઘટી ગયા છતાં તેઓ એમ્બ્યુલન્સમાં બેસીને પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનની તસવીર સાથે વિધાનસભા કૂચમાં જોડાયા હતા.
વિધાનસભા ભવન તરફ આગળ વધી રહેલા વિદ્યાર્થીઓએ પોલીસ દ્વારા મુકવામાં આવેલા અનેક બેરિકેડ્સ તોડી નાખ્યા હતા. પ્રદર્શનકારીઓએ હાથમાં બેનરો અને પોસ્ટરો પકડીને સરકાર વિરોધી નારેબાજી કરી હતી. વિદ્યાર્થી નેતાઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જો સરકાર તેમના ભવિષ્ય સાથે ખિલવાડ કરવાનું બંધ નહીં કરે અને નિષ્પક્ષ તપાસ નહીં કરાવે તો આ આંદોલન આગામી દિવસોમાં વધુ ઉગ્ર અને આક્રમક રૂપ ધારણ કરશે.
(3:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
