હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
એરલાઈન પાઈલટ્સ માટે મોટું એલર્ટ: સામાન્ય શરદીની સિરપ, ભાંગ કે ખસખસ ખાવાથી પણ ડ્રગ ટેસ્ટ આવશે પોઝિટિવ! ફ્લાઈંગ ડ્યૂટી ગુમાવવાનો વારો આવી શકે
ALPA ઈન્ડિયાએ જારી કરી કડક માર્ગદર્શિકા; વિક્સ, કોરેક્સ, આયુર્વેદિક તેલ અને તહેવારોના ખોરાકથી પોઝિટિવ પરિણામ આવવાનું જોખમ

નવી દિલ્હી: તા.૧૦: એરલાઇન પાઇલટ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (ALPA India) એ દેશના તમામ કોમર્શિયલ પાઇલટ્સ અને એવિએશન સ્ટાફ માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ચેતવણીરૂપ એડવાઈઝરી જારી કરી છે. એસોસિએશને સ્પષ્ટ કર્યું છે કે સામાન્ય શરદી-ઉધરસની દવાઓ, આયુર્વેદિક તેલ તેમજ હોળી જેવા તહેવારોમાં લેવાતા ભાંગ, ઠંડાઈ કે ખસખસ જેવા ખાદ્યપદાર્થોના કારણે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (DGCA) ના ફરજિયાત ડ્રગ ટેસ્ટમાં 'ફોલ્સ-પોઝિટિવ' (ખોટો સકારાત્મક) રિપોર્ટ આવી શકે છે. જેના કારણે પાઈલટને પોતાની ઉડાન ફરજમાંથી તાત્કાલિક મુક્ત થવું પડી શકે છે.
આ ડ્રગ ટેસ્ટ નિયમો ફ્લાઇટ ક્રૂ, એર ટ્રાફિક કંટ્રોલર્સ (ATC), એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયર્સ અને ફ્લાઇંગ સ્કૂલના તમામ કર્મચારીઓ માટે ફરજિયાત છે. ALPA ઈન્ડિયા અનુસાર, વિક્સ એક્શન ૫૦૦, ડી'કોલ્ડ ટોટલ અને એલેગ્રા-ડી જેવી દવાઓમાં રહેલા કેમિકલ્સ ડ્રગ સ્ક્રીન પર એમ્ફેટામાઈન તરીકે ક્રોસ-રિએક્ટ કરી શકે છે. તેવી જ રીતે કોરેક્સ અને એસ્કોરિલ-સી જેવી કફ સિરપમાં કોડીન હોય છે, અને બિરયાની કે સ્વીટ્સમાં વપરાતી ખસખસમાં મોર્ફિનના અંશ હોય છે, જે ઓપિએટ પોઝિટિવ રિપોર્ટ લાવી શકે છે. વધુમાં, અલ્પ્રાક્સ, કાલપોઝ જેવી ડિપ્રેશન/ચિંતા વિરોધી દવાઓ પણ સીધી સાયકોએક્ટિવ સબસ્ટન્સ ટેસ્ટમાં પકડાઈ જાય છે.
પાઈલટ્સ એસોસિએશને પોતાના સભ્યોને સ્પષ્ટ સલાહ આપી છે કે તેઓ કોઈપણ સંજોગોમાં ડૉક્ટરની સલાહ વિના જાતે દવાઓ (સ્વ-દવા) ન લે. જો કોઈ દવા ચાલુ હોય, તો સેમ્પલ આપતી વખતે જ પ્રોફોર્મા પર તેની સાચી વિગતો જાહેર કરવી જરૂરી છે. તહેવારો દરમિયાન ભાંગ, ઠંડાઈ કે ખસખસ ધરાવતા ખોરાકથી દુર રહેવું જોઈએ. એસોસિએશને સ્પષ્ટ કર્યું છે કે પહેલી વાર નોન-નેગેટિવ રિપોર્ટ આવવાનો અર્થ એ નથી કે પાઈલટે ડ્રગ્સ લીધું જ છે, તેથી ડર્યા વગર પારદર્શિતા રાખવી જરૂરી છે કારણ કે કન્ફર્મેશન ટેસ્ટ અને કાઉન્સેલિંગ માટે યોગ્ય પ્રક્રિયા ઉપલબ્ધ હોય છે.
આ સાથે જ ALPA ઈન્ડિયાએ DGCA ને વિનંતી કરી છે કે તપાસ પ્રક્રિયા દરમિયાન કર્મચારીઓની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવે. મીડિયાને પણ અપીલ કરવામાં આવી છે કે કન્ફર્મેશન રિપોર્ટ આવ્યા પહેલાં કોઈપણ પાઈલટ પર 'ડ્રગ્સ લેતા પકડાયા' જેવા બિન-તથ્યપૂર્ણ અને આક્ષેપબાજી વાળા અહેવાલો ન ચલાવે, જેથી કર્મચારીઓની પ્રતિષ્ઠાને નુકસાન ન પહોંચે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
