<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

ભારતમાં સ્માર્ટફોન ફાઇનાન્સિંગનો ધૂમ ક્રેઝ: સરેરાશ ૧૦ મહિનાના EMI પર વેચાઈ રહ્યા છે ફોન, નાના શહેરો અને ટાયર-૨ બજારો ખરીદીમાં સૌથી આગળ

કાઉન્ટરપોઈન્ટ રિસર્ચના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો; એપલ ગ્રાહકો પસંદ કરી રહ્યા છે સૌથી લાંબો ૧૭.૨ મહિનાનો હપ્તો, સેમસંગ ફાઇનાન્સિંગ વેચાણમાં માર્કેટ લીડર

નવી દિલ્હી: તા.૧૦: ભારતના સ્માર્ટફોન માર્કેટમાં છેલ્લા કેટલાક સમયથી ફાઇનાન્સિંગ આધારિત ખરીદીનો મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. વર્ષ ૨૦૨૬ ના બીજા ત્રિમાસિક ગાળામાં ભારતમાં સ્માર્ટફોન ખરીદવા માટે સરેરાશ ૧૦ મહિનાનો ફાઇનાન્સિંગ સમયગાળો નોંધાયો છે. કાઉન્ટરપોઇન્ટ રિસર્ચના તાજેતરના અહેવાલ મુજબ, દેશના ટાયર-૨ અને નાના શહેરો હવે સરળ હપ્તા (EMI) આધારિત સ્માર્ટફોન ખરીદીમાં સમગ્ર દેશમાં મોખરે રહ્યા છે, જ્યાં કુલ સ્માર્ટફોન વેચાણમાંથી ૫૭.૫ ટકા ખરીદી માત્ર EMI યોજનાઓ પર થઈ રહી છે.

 

રિપોર્ટ અનુસાર, નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (NBFCs) વિવિધ ગ્રાહકોના બજેટને ધ્યાનમાં રાખીને ફ્લેક્સિબલ EMI સ્કીમ્સ ઓફર કરી રહી છે. આ જ કારણે ટાયર-૩ અને તેનાથી નાના ગ્રામીણ બજારોમાં પણ ફાઇનાન્સિંગનો હિસ્સો ૫૦ ટકાથી વધુ રહ્યો છે. આંકડાકીય આગાહી કરવામાં આવી છે કે વર્ષ ૨૦૨૬ માં ભારતમાં કુલ સ્માર્ટફોન વેચાણમાંથી ૪૨ ટકાથી વધુ સ્માર્ટફોન ફાઇનાન્સિંગ માર્ગે વેચાશે, જ્યારે મુખ્ય ઓફલાઇન અને રિટેલ ચેનલોમાં આ આંકડો અડધાથી પણ વધારે રહેવાની ધારણા છે.

 

સ્માર્ટફોન બ્રાન્ડ્સમાં ગ્રાહકોની પસંદગી અંગે વિગતો આપતા રિપોર્ટમાં જણાવાયું છે કે, એપલ (Apple) નો સરેરાશ ફાઇનાન્સિંગ સમયગાળો સૌથી વધુ ૧૭.૨ મહિના નોંધાયો છે. આ દર્શાવે છે કે ઉચ્ચ કિંમતના આઈફોન ખરીદવા માટે ગ્રાહકો લાંબા ગાળાના હપ્તાનો વિકલ્પ પસંદ કરી રહ્યા છે જેથી માસિક ખર્ચ ઓછો આવે. બીજી તરફ, ફાઇનાન્સિંગ દ્વારા સૌથી વધુ યુનિટ્સ વેચવામાં સેમસંગ (Samsung) નંબર-૧ બ્રાન્ડ તરીકે ઉભરી આવી છે, જેના પછી વિવો (Vivo) અને એપલનો ક્રમ આવે છે.

 

કાઉન્ટરપોઇન્ટ રિસર્ચના રિસર્ચ ડિરેક્ટર તરુણ પાઠકના જણાવ્યા અનુસાર, સ્માર્ટફોન ફાઇનાન્સિંગનો મુખ્ય ઉદ્દેશ્ય મોંઘા સ્માર્ટફોનને માસિક ધોરણે સામાન્ય ગ્રાહક માટે પરવડે તેવા બનાવવાનો છે. ગ્રાહકો હવે ફોનની કુલ કિંમત જોવાના બદલે દર મહિને ખિસ્સા પર કેટલો બોજ પડશે તેના પર વધુ ધ્યાન આપી રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બ્રાન્ડ્સ અને ફાઇનાન્સિંગ પાર્ટનર્સ હવે ૩૦ મહિના સુધીના લાંબા અને લવચીક EMI પ્લાન ઓફર કરી રહ્યા છે. NBFC ના નેટવર્કનો વિસ્તાર અને પ્રીમિયમ ફોન ધરાવવાની ભારતીય ગ્રાહકોની આકાંક્ષાને કારણે આ માર્કેટ ઝડપથી વધી રહ્યું છે.

 

(4:48 PM IST)