News of Monday, 10th August 2026
અયોધ્યા રામ મંદિર પ્રસાદ ચોરી મામલે દિલ્હીમાં ભારે હંગામો: સાંસદ પપ્પુ યાદવ સંતો સાથે રસ્તા પર સૂઈ ગયા, PM આવાસ તરફ જતાં પોલીસે રોક્યા
સીબીઆઈ તપાસની માંગ સાથે દેશભરમાંથી ૫૦૦ થી વધુ સંતો મંડી હાઉસ ખાતે એકત્ર થયા; પપ્પુ યાદવે મોદી સરકાર પર પ્રહારો કર્યા, કેજરીવાલે રાઘવ ચઢ્ઢાના મીમ પર આપ્યો રમુજી જવાબ

નવી દિલ્હી: તા.૧૦: અયોધ્યા રામ મંદિરમાં પ્રસાદ અને દાનમાં થતી અનિયમિતતા તથા ચોરીના વિરોધમાં સોમવારે રાજધાની દિલ્હીમાં ભારે વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું. બિહારના પૂર્ણિયાના સાંસદ રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવના સમર્થનમાં દેશના વિવિધ ભાગોમાંથી આવેલા આશરે ૫૦૦ જેટલા સંતો અને મહંતો મંડી હાઉસ ખાતે એકઠા થયા હતા. રામ મંદિર ભંડોળની કથિત ઉચાપતની સીબીઆઈ (CBI) તપાસની માંગણી કરતું આવેદનપત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સુપરત કરવા માટે સંતો અને પપ્પુ યાદવે પીએમ આવાસ તરફ કૂચ કરવાનું શરૂ કર્યું હતું.
જોકે, દિલ્હી પોલીસે અગમચેતીના પગલાં રૂપે વિસ્તારમાં કલમ ૧૬૩ લાગુ કરીને વિરોધ પ્રદર્શન કરી રહેલા સંતો અને પપ્પુ યાદવને આગળ વધતા અટકાવ્યા હતા. પોલીસે કૂચ રોકતા જ સાંસદ પપ્પુ યાદવ અને અનેક સાધુ-સંતો હાથમાં પ્લેકાર્ડ લઈને રસ્તા પર જ સાષ્ટાંગ પ્રણામ કરીને સૂઈ ગયા હતા અને "જય શ્રી રામ" ના નારા લગાવ્યા હતા. સોશિયલ મીડિયા પર આ ઘટનાના ફોટા શેર કરતા પપ્પુ યાદવે આકરા શબ્દોમાં લખ્યું હતું કે, "દાન ચોરોએ પોતાનું સિંહાસન છોડી દેવું જોઈએ. જ્યારે પણ મોદી ડરે છે, ત્યારે પોલીસને આગળ ધરે છે." ત્યારબાદ પોલીસે પપ્પુ યાદવ અને અન્ય પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી.
નોંધનીય છે કે, તાજેતરમાં જ સંસદ સંકુલમાં પપ્પુ યાદવે ભગવા વસ્ત્રો પહેરીને દાનપેટીમાંથી નાટકીય રીતે ચોરી કરવાનો એક વિરોધ પ્રદર્શનનો વિડીયો બનાવ્યો હતો, જેને લઈને સંત સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સંતોના આક્રોશ બાદ પપ્પુ યાદવે અખાડાઓ અને સાધુ-સંતોને એકત્ર કરી રામ મંદિરના ભંડોળમાં થયેલી ગેરરીતિઓ સામે સંયુક્ત રીતે અવાજ ઉઠાવવાનો માર્ગ અપનાવ્યો હતો.
દરમિયાન, અન્ય એક રસપ્રદ રાજકીય ઘટનાક્રમમાં આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલનો એક હળવાશભર્યો ઇન્ટરવ્યુ વાયરલ થયો છે. થોડા મહિના પહેલા આપ (AAP) માંથી છેડો ફાડીને ભાજપમાં જોડાયેલા રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા અંગેના એક વાયરલ મીમ "શું કેજરીવાલે જાસૂસ તરીકે રાઘવને ભાજપમાં મોકલ્યા છે?" પર પ્રતિક્રિયા આપતા કેજરીવાલે રમૂજી અંદાજમાં કહ્યું હતું કે, "આ વાત બહાર કેવી રીતે આવી? તેમને કેવી રીતે ખબર પડી ગઈ?" તેમના આ પ્રતિભાવે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી છે.
(5:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
