<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

હરિયાણામાં કાળજું કંપાવી દે તેવી ગોઝારી ઘટના: આંગણવાડી કાર્યકર માતાએ બે બાળકોને ઝેરી શરબત પીવડાવી જીવન લીલા સંકેલી, ટાંકીમાં કૂદતા પહેલા બનાવ્યો દર્દનાક વિડીયો

"મમ્મી, મને મારશો નહીં..." ના માસુમ પોકારો વચ્ચે માતાએ બાળકોને આપ્યું ઝેર; પતિના ત્રાસ અને નશાની કુટેવથી કંટાળીને ભર્યું આકરૂં પગલું, પોલીસે પતિની કરી ધરપકડ

ફતેહાબાદ : હરિયાણાના ફતેહાબાદ જિલ્લાના મેહુવાલા ગામમાંથી માનવતાને શરમસાર કરતી અને હૃદય ધ્રૂજાવી દે તેવી અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. અહીં ૩૧ વર્ષીય આંગણવાડી કાર્યકર સુદેશે પોતાના બે માસુમ બાળકો – ૯ વર્ષની પુત્રી જ્યોતિ અને ૮ વર્ષના પુત્ર વિનીતને ઝેરી લીંબુનું શરબત પીવડાવીને ઘરની પાણીની ટાંકીમાં કૂદી આત્મહત્યા કરી લીધી છે. શરૂઆતમાં ડૂબી જવાથી મોત થયાનું લાગતું હતું, પરંતુ સુદેશના ફોનમાંથી મળી આવેલા ચાર દર્દનાક વિડીયોએ આખી ઘટનાનો ખોફનાક પર્દાફાશ કર્યો છે.

 

સુદેશના મોબાઈલમાંથી મળી આવેલા વિડીયોમાં દિલ ધબકારો ચૂકી જાય તેવા દ્રશ્યો કેદ થયા છે. વિડીયોમાં જોવા મળે છે કે ઝેર પીવડાવતા પહેલા સુદેશ પોતાના બંને બાળકોને ખૂબ પ્રેમ કરે છે, તેમના માથા પર વહાલથી ચુંબન કરે છે અને તેમની સાથે સામાન્ય વાતો કરે છે. પરંતુ તે પછી ઘટના ભયાનક વળાંક લે છે. બાળકો રડતા રડતા "મમ્મી, મને મારશો નહીં..." કહીને ઝેરી પીણું પીવાનો વિરોધ કરે છે, છતાં પણ મહિલા તેમને બળજબરીથી ઝેર પીવડાવી દે છે અને ત્યારબાદ તેમને પાણીની ટાંકી તરફ લઈ જાય છે.

 

જીવનનો અંત આણતા પહેલા બનાવેલા અંતિમ વિડીયોમાં સુદેશ તેના લગ્નજીવનમાં ભોગવેલા અસહ્ય માનસિક અને શારીરિક ત્રાસ અંગે આક્રોશ ઠાલવતી જોવા મળે છે. વિડીયોમાં તે તેના પતિને ઉદ્દેશીને કહેતી સાંભળવા મળે છે કે, "તમે મને આટલો બધો ત્રાસ કેમ આપ્યો? હવે તેનું પરિણામ જુઓ." સ્થાનિક સૂત્રો અને પોલીસ તપાસ અનુસાર, સુદેશનો પતિ સંદીપ ગંભીર રીતે ડ્રગ્સનો અડીયલ નશેડી હતો અને ઘરમાં સતત કંકાસ તથા ઘરેલુ હિંસા આચરતો હતો, જેનાથી તંગ આવીને સુદેશે આ ભયાનક પગલું ભર્યું હતું.

 

આ દર્દનાક ગોઝારી ઘટના બાદ સમગ્ર મેહુવાલા ગામમાં અરેરાટી સાથે ભારે શોકની કાલીમા છવાઈ ગઈ છે. મૃતક સુદેશના પિયરપક્ષની ગંભીર ફરિયાદો અને વિડીયો પુરાવાના આધારે પોલીસે તાત્કાલિક એક્શન લેતા આત્મહત્યાની દુષ્પ્રેરણા (ઉશ્કેરણી) ના ગુના હેઠળ પતિ સંદીપની ધરપકડ કરી લીધી છે. દિલ્હી અને હરિયાણા પોલીસ આ વિડીયો અને ટેકનિકલ પુરાવાઓને ફોરેન્સિક તપાસ માટે મોકલીને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી રહી છે.

 

(5:20 PM IST)