<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

X (ટ્વિટર) પર નંબરિંગમાં 'મોટી ભૂલ' થતાં અમિતાભ બચ્ચને જાહેરમાં માફી માંગી: નેટીઝન્સે 'જંતર મંતર' પર વિરોધની મજાક ઉડાવી, સોશિયલ મીડિયા પર રમુજી મીમ્સ વાયરલ

'T 5817' પછી ભૂલથી લખાઈ ગયું હતું 'T 5718'; 'EF સુનિલ' દ્વારા ભૂલ બતાવવા બદલ બિગ બીએ આભાર માન્યો, યુઝર્સે કહ્યું- સુનિલ મેડલનો હકદાર છે

મુંબઈ : બોલીવુડના સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર તેમની એક નાનકડી ભૂલને કારણે ભારે ચર્ચામાં આવ્યા છે. બિગ બી તેમની દૈનિક પોસ્ટ્સ પર એક ખાસ નંબરિંગ સિસ્ટમ ('T' નંબર) અનુસરે છે, પરંતુ તાજેતરમાં તેમની પોસ્ટમાં નંબરનો ક્રમ ખોટો પડી જતાં તેમણે તેને પોતાની "મોટી ભૂલ" ગણાવીને ચાહકોની માફી માંગી હતી. આ માફી બાદ સોશિયલ મીડિયા પર નેટીઝન્સે રમુજી પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કર્યું હતું અને એક આખો મીમ ફેસ્ટ શરૂ થઈ ગયો હતો.

 

અમિતાભ બચ્ચને માફી માંગતા પોસ્ટ કર્યું હતું કે, "T 5820 - મારાથી નંબરિંગમાં એક મોટી ભૂલ થઈ છે.. માફ કરશો... T 5817 પછી.. તેને 5818, 5819, 5820 વાંચવું." તેમણે આગળ ઉમેર્યું હતું કે, "મારી આ ભૂલ સુધારવા બદલ Ef સુનિલનો આભાર." વાસ્તવમાં T 5817 પોસ્ટ કર્યા બાદ અમિતાભે ભૂલથી આગામી પોસ્ટ પર T 5718 નંબર લખી દીધો હતો અને તે જ ક્રમ આગળ ચલાવ્યો હતો, જેને તેમના ચાહકે પકડી પાડી હતી.

 

બિગ બીએ ભૂલ સ્વીકારીને પોસ્ટ મૂકતા જ ટિપ્પણી વિભાગમાં મજાક મસ્તીનું પૂર આવ્યું હતું. હાલના વિરોધ પ્રદર્શનો પર કટાક્ષ કરતા એક યુઝરે લખ્યું, "સારું થયું તમે ભૂલ સ્વીકારી લીધી, નહીં તો હું આ નંબર લીકના વિરોધમાં જંતર મંતર પર ધરણા કરવા જઈ રહ્યો હતો." જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, "'દો ઔર દો પાંચ' ફિલ્મ પછી અમિતજીની આ પહેલી મોટી ભૂલ છે." કેટલાક યુઝર્સે સુનિલના વખાણ કરતા લખ્યું કે, "માનવજાત હંમેશા Ef સુનિલના આ મહાન યોગદાનને યાદ રાખશે."

 

અમિતાભ બચ્ચન તેમના ચાહક સમુદાય માટે પ્રેમથી "EF" એટલે કે "એક્સ્ટેંડેડ ફેમિલી" (વિસ્તૃત પરિવાર) શબ્દનો ઉપયોગ કરે છે. આ સુનિલ કોણ છે તેને લઈને પણ ચાહકોમાં ઉત્સુકતા જોવા મળી હતી. માનવામાં આવી રહ્યું છે કે તેઓ સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને અમિતાભના પરમ ચાહક સુનિલ શાહનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જેમણે અગાઉ ન્યૂ યોર્કમાં બિગ બીની લગ્ન તિથિની ભવ્ય ઉજવણીનું આયોજન કર્યું હતું.

(5:29 PM IST)