હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
8મા પગાર પંચમાં મોંઘવારી ભથ્થું (DA) મૂળ પગારમાં મર્જ થવાની શક્યતા: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના વેતનમાં મોટો ઉછાળો આવવાની અપેક્ષા, કમિશને બેઠકોનો દોર શરૂ કર્યો
ફિટમેન્ટ ફેક્ટર અને ડીએ મર્જર અંગે ટૂંક સમયમાં લેવાશે આખરી નિર્ણય; કર્મચારી સંગઠનો સાથે વિવિધ રાજ્યોમાં ચર્ચા શરૂ, ૨૦૨૭ સુધીમાં નવું પગાર માળખું સ્પષ્ટ થવાની સંભાવના

નવી દિલ્હી : કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મા પગાર પંચ (8th Pay Commission) ને લઈને ઉત્સાહ અને અપેક્ષાઓ ચરમસીમાએ પહોંચી છે. નવા પગાર પંચની અમલવારી બાદ કર્મચારીઓના હાથમાં કેટલો પગાર આવશે તે અંગે વિવિધ અંદાજો સામે આવી રહ્યા છે. કર્મચારી સંગઠનોની સૌથી મુખ્ય માંગણી મોંઘવારી ભથ્થા (DA) ને મૂળ પગાર (Basic Pay) સાથે મર્જ કરવાની છે. જો આ માંગ સ્વીકારવામાં આવે તો કર્મચારીઓના પીએફ, પેન્શન, ગ્રેચ્યુઈટી અને અન્ય ભથ્થાઓમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે.
8મા કેન્દ્રીય પગાર પંચે જુલાઈ મહિનામાં કર્મચારીઓ, યુનિયનો અને અન્ય સંબંધિત પક્ષકારો પાસેથી સૂચનો અને આંકડા એકત્રિત કરવાની કામગીરી પૂર્ણ કરી લીધી છે. હવે આ સૂચનોનો ઝીણવટભર્યો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. કમિશને ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન દિલ્હી, ચેન્નાઈ, પુડુચેરી, ચંદીગઢ, જયપુર અને મુંબઈ જેવા મુખ્ય શહેરોમાં વિવિધ કર્મચારી સંગઠનો, રેલવે તથા સંરક્ષણ ક્ષેત્રના પ્રતિનિધિઓ સાથે બેઠકો યોજવાનું સમયપત્રક પણ જાહેર કર્યું છે.
હાલમાં ફિટમેન્ટ ફેક્ટર અને ડીએ મર્જર અંગે કોઈ આખરી આંકડો નક્કી થયો નથી, પરંતુ નિષ્ણાતોના અંદાજ મુજબ કર્મચારીઓના પગારમાં ૨૦ ટકાથી લઈને ૮૦ ટકા સુધીનો વધારો થઈ શકે છે. ફિટમેન્ટ ફેક્ટર ૨.૨૮ થી ૩.૮૩ ની વચ્ચે રહેવાની ધારણા છે. કમિશન આગામી ૧૮ મહિનામાં પોતાની આખરી ભલામણો સરકારને સુપ્રત કરે તેવી શક્યતા છે, જેના કારણે ૨૦૨૭ ના વર્ષમાં સુધારેલા પગાર ધોરણનું સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
બીજી તરફ, પશ્ચિમ બંગાળ સરકારે પણ પોતાના રાજ્યના કર્મચારીઓ માટે મોટી રાહતની જાહેરાત કરી છે. દુર્ગાપૂજાના તહેવાર પૂર્વે ૧ ઓક્ટોબરથી અમલમાં આવે તે રીતે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના ડીએ (DA) માં ૨૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે, જેનાથી કુલ ડીએ ૩૮ ટકા થઈ જશે. આ ઉપરાંત રાજ્યમાં સાતમા પગાર પંચની રચના પણ કરી દેવામાં આવી છે, જેનો અમલ ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન કરવામાં આવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
