<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

તમિલનાડુમાં 'માતા તમિલ'નો જયઘોષ: સરકારી કાર્યક્રમોમાં 'તમિલ થાઈ વઝ્થુ' પ્રથમ ગાવાનો ઠરાવ વિધાનસભામાં સર્વાનુમતે પસાર

કેન્દ્ર સરકારના વંદે માતરમના નિર્દેશ અને યુનિવર્સિટી વિવાદ વચ્ચે મુખ્યમંત્રી વિજયે રજૂ કર્યો ઐતિહાસિક પ્રસ્તાવ : DMK, AIADMK સહિત તમામ રાજકીય પક્ષોના સમર્થનથી ભાષાકીય અસ્મિતાનો નવો અધ્યાય શરૂ

ચેન્નઈ:  તમિલનાડુની રાજ્યસભા અને રાજકારણમાં ભાષાકીય અને સાંસ્કૃતિક અસ્મિતાનો મુદ્દો ફરી એકવાર પ્રચંડ સ્વરૂપે ઉભરી આવ્યો છે. કેન્દ્ર સરકારના હોમ મિનિસ્ટ્રીના પત્ર અને 'વંદે માતરમ' પહેલા ગવડાવવાના વિવાદ વચ્ચે, તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે વિધાનસભામાં એક વિશેષ ઠરાવ રજૂ કર્યો હતો. આ ઠરાવ મુજબ રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટીઓ અને સરકારી કચેરીઓના કોઈપણ કાર્યક્રમની શરૂઆતમાં રાજ્ય ગીત 'તમિલ થાઈ વઝ્થુ' પહેલાં જ ગાવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. વિધાનસભાના સ્પીકર જેસીડી પ્રભાકરે તમામ પક્ષોના સર્વાનુમતે ટેકા બાદ આ ઐતિહાસિક ઠરાવ પસાર થયાની જાહેરાત કરી હતી.

ઠરાવ રજૂ કરતી વખતે મુખ્યમંત્રી વિજયે સંબોધન કરતા કહ્યું કે, "તમિલ એ માત્ર એક ભાષા નથી, પરંતુ તે આપણું જીવન, વિચાર, સંસ્કૃતિ અને લાગણી છે. 'તમિલ' શબ્દ બોલતા જ સમગ્ર તમિલનાડુ એક થઈને ઊભું રહી જાય છે અને પોતાના રાજ્યના ગીતને પ્રથમ સ્થાન આપવું એ આપણો બંધારણીય અધિકાર છે." તેમણે રાજકીય મતભેદો ભૂલીને તમામ ધારાસભ્યોને એકજૂથ થવા અપીલ કરી હતી. આ પ્રસ્તાવને વિરોધ પક્ષ DMK અને AIADMK સહિત રાજ્યના તમામ નાના-મોટા પક્ષોએ એકસૂરે સમર્થન આપ્યું હતું, જેનાથી તમિલનાડુની રાજનીતિમાં એકતાનો અનોખો દ્રશ્ય સર્જાયો હતો.

ઉલ્લેખનીય છે કે ૧૮૯૧માં મનોનમનિયમ સુંદરનાર દ્વારા લખાયેલા આ ગીતને ૧૯૭૦થી સરકારી કાર્યક્રમોમાં ગાવાની પરંપરા રહી છે, અને ડિસેમ્બર ૨૦૨૧માં તેને સત્તાવાર 'રાજ્ય ગીત'નો દરજ્જો મળ્યો હતો. તાજેતરમાં એક યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં રાજભવન તરફથી નિર્દેશ બાદ તમિલ ગીતને ત્રીજા ક્રમે મુકાતા વિવાદ સર્જાયો હતો. તેના જવાબરૂપે લાવવામાં આવેલા આ સરકારી ઠરાવ બાદ સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ નિર્ણાયક વિજય 'માતા તમિલ' પ્રત્યેની સૌથી મોટી શ્રદ્ધાંજલિ છે.

(6:34 PM IST)