<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

મણિપુર હિંસાથી પ્રભાવિત ૨૪,૦૦૦ પરિવારોના પુનર્વસન દાવાઓની ચકાસણી કરવા સુપ્રીમ કોર્ટનો જસ્ટિસ ગીતા મિત્તલ પેનલને કડક આદેશ: CBI અને NIA કેસો માટે ખાસ ટ્રાયલ કોર્ટ સ્થાપવા મણિપુર-આસામ સરકારને નિર્દેશ

બેઘર થયેલા હજારો આદિવાસીઓને સરકારી યોજનાઓ હેઠળ વળતર અને મકાન સહાય ન મળ્યાની રજૂઆત પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ; ધાર્મિક સ્થળો અને ચર્ચો પરના અતિક્રમણ રોકવા કાયદાકીય એજન્સીઓને આહવાન

નવી દિલ્હી:  મે ૨૦૨૩ માં મણિપુરમાં ફાટી નીકળેલી હિંસક અને વંશીય અસંતોષની ઘટનાઓ બાદ પીડિત પરિવારોના પુનર્વસનને લઈને સુપ્રીમ કોર્ટે એક મોટો અને મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બનેલી ત્રિપુટી બેન્ચે પોતાના દ્વારા નિયુક્ત કરવામાં આવેલી જસ્ટિસ ગીતા મિત્તલ સમિતિને આદેશ આપ્યો છે કે, હિંસાથી પ્રભાવિત આશરે ૨૪,૦૦૦ પરિવારો જેમને હજુ સુધી સરકારી કલ્યાણકારી અને પુનર્વસન યોજનાઓનો લાભ મળ્યો નથી, તેમના દાવાઓની જમીની સ્તરે તાત્કાલિક ચકાસણી કરવામાં આવે.

 

સુપ્રીમ કોર્ટે મણિપુર અને આસામ સરકારોને હિંસા સાથે જોડાયેલા CBI અને NIA ના મહત્વના કેસોની ઝડપી અને સુચારૂ સુનાવણી માટે બે વિશેષ ટ્રાયલ કોર્ટ સ્થાપવાની શક્યતાઓ ચકાસવા પણ કહ્યું છે. વરિષ્ઠ વકીલ કોલિન ગોન્સાલ્વિસ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું કે હજુ પણ હજારો વિસ્થાપિત આદિવાસીઓ અને અસરગ્રસ્તો સરકારી યોજનાઓના લાભથી વંચિત છે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે સરકારે કાચા મકાનો માટે રૂ. ૫ લાખ અને પાકા કે અર્ધ-પાકા મકાનો માટે રૂ. ૭ લાખની સહાય જાહેર કરી છે તથા PMAY-G હેઠળ ૧૨,૦૦૦ થી વધુ ઘરોને મંજૂરી આપી છે, પરંતુ જમીની વાસ્તવિકતા તપાસવી અનિવાર્ય છે.

 

આ ઉપરાંત, મણિપુરમાં હિંસા દરમિયાન નુકસાન પામેલા ૨૭૬ ધાર્મિક સ્થળો અને પૂજા સ્થાનોની સાથે સાથે ૨૦ જેટલા ચર્ચો પર થયેલા કથિત ગેરકાયદેસર અતિક્રમણનો મુદ્દો પણ સુનાવણી દરમિયાન સામે આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે જસ્ટિસ ગીતા મિત્તલ કમિટીને મહેસૂલી રેકોર્ડ અને જમીની દસ્તાવેજોના આધારે આ તમામ સંપત્તિઓની સ્થિતિ તપાસવા જણાવ્યુ છે. કોર્ટે સંબંધિત સત્તાવાળાઓને સ્પષ્ટ સૂચના આપી છે કે આ સંપત્તિઓ પર વધુ કોઈ અતિક્રમણ ન થાય તે સુનિશ્ચિત કરવામાં આવે અને ટૂંક સમયમાં સર્વગ્રાહી અહેવાલ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે.

 

ઉલ્લેખનીય છે કે ૩ મે, ૨૦૨૩ ના રોજ મણિપુરમાં મેઇતેઈ સમુદાય દ્વારા અનુસૂચિત જનજાતિ (ST) ના દરજ્જાની માંગ સામે આયોજિત 'આદિવાસી એકતા માર્ચ' બાદ સમગ્ર રાજ્યમાં ભયાનક વંશીય હિંસા ફાટી નીકળી હતી. આ હિંસામાં ૨૦૦ થી વધુ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા, સેંકડો લોકો ઘાયલ થયા હતા અને હજારો પરિવારો પોતાના ઘરબાર છોડીને આશ્રય શિબિરોમાં વિસ્થાપિત થવા મજબૂર બન્યા હતા. સુપ્રીમ કોર્ટની આ તાજેતરની દખલગીરીથી પીડિતોને ઝડપી ન્યાય અને પુનર્વસન મળવાની આશા જાગી છે.

(6:39 PM IST)