<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

મેરઠ હાઈવે પર સાંપ્રદાયિક સૌહાર્દ અને કોમી એકતાની અદભુત મિસાલ: મુસ્લિમ યુવકની અંતિમયાત્રા માટે હજારો કાવડયાત્રીઓએ ડીજે બંધ કરી રસ્તો ખાલી કર્યો

શિવભક્તોએ સંવેદનશીલતા દર્શાવી ભક્તિગીતો અને જયઘોષ અટકાવી શાંતિપૂર્વક જનાજો પસાર કરાવ્યો; સનાતન પરંપરા અને માનવતાના અનોખા દર્શનથી ગ્રામજનો ભાવવિભોર

મેરઠ:  ઉત્તર પ્રદેશના મેરઠ-રૂડકી હાઈવે પરથી એકતા, ભાઈચારા અને માનવતાનું હૃદયસ્પર્શી ઉદાહરણ સામે આવ્યું છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન કાવડ યાત્રામાં નીકળેલા હજારો શિવભક્તોએ એક મુસ્લિમ શખ્સની અંતિમયાત્રા (જનાજા) ને સન્માન આપવા માટે ન માત્ર પોતાના પગલાં રોકી દીધા, પરંતુ વાગી રહેલા મોટેમોટા ડીજે અને ભક્તિગીતો પણ તાત્કાલિક બંધ કરી દીધા હતા.

 

સિવાયા ગામમાં રહેતા ૪૦ વર્ષીય નિઝામનું હાર્ટ અટેકના કારણે અચાનક અવસાન થયું હતું. પરિવારજનો જ્યારે નિઝામના પાર્થિવ દેહને દફનાવવા માટે જનાજો લઈને નીકળ્યા ત્યારે મોટી મુશ્કેલી ઊભી થઈ હતી, કારણ કે કબ્રસ્તાન હાઈવેની બીજી તરફ આવેલું હતું. હાઈવે પર કાવડિયાઓનો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો હોવાથી ભીડ વચ્ચેથી જનાજો કઈ રીતે પસાર કરવો તે અંગે પરિવાર અને ગ્રામજનો ભારે ચિંતામાં મુકાયા હતા.

 

સ્થાનિક લોકોએ દૌરાલા પોલીસ સ્ટેશનને જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે બેરિકેડિંગ કરવાની કોશિશ કરતા કાવડિયાઓએ કારણ પૂછ્યું હતું. જ્યારે તેમને જાણ થઈ કે એક સ્થાનિક મુસ્લિમ વ્યક્તિનો જનાજો ક્રોસ થવાનો છે, ત્યારે શિવભક્તોએ સ્વયંભૂ આખી વ્યવસ્થા પોતાના હાથમાં લઈ લીધી હતી. તેમણે પાછળથી આવી રહેલા અન્ય શિવભક્તોને રોકીને તરત જ રસ્તો ખાલી કરાવવાનું શરૂ કરી દીધું હતું.

 

ડીજે અને ભક્તિગીતોના ઘોંઘાટથી ગુંજતો આખો હાઈવે ક્ષણભરમાં શાંત થઈ ગયો હતો. હજારો કાવડિયાઓએ પોતાના તમામ ડીજે બંધ કરી દીધા અને 'ભોલે બમ' ના જયઘોષ અટકાવી રસ્તાની બંને બાજુ શાંતિપૂર્વક ઊભા રહી ગયા હતા. જનાજો સન્માનપૂર્વક કબ્રસ્તાન સુધી પહોંચી ગયા બાદ જ શિવભક્તોએ પોતાની યાત્રા પુનઃ શરૂ કરી હતી. શિવભક્તોના આ માનવીય વ્યવહારને જોઈને સ્થાનિક મુસ્લિમ ગ્રામજનો ભાવુક થઈ ગયા હતા અને ભારતીય સંસ્કૃતિ તથા ભાઈચારાના મુક્ત કંઠે વખાણ કર્યા હતા.

(7:39 PM IST)