<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

ઉત્તરાખંડના ચમોલીમાં કુદરતનો કાળો કેર: ભયાનક વાદળ ફાટતા તમક નાળું ઓવરફ્લો થયું, નીતિ ખીણને જોડતો મહત્વપૂર્ણ બ્રિજ તણાયો

ભારે વરસાદ અને ઘોડાપૂરમાં બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) નો કર્મચારી ગુમ; સ્થાનિક ઘરો અને ખેતીની જમીનોને વ્યાપક નુકસાન પહોંચતા ભારે અફરાતફરી

ચમોલી : ઉત્તરાખંડના પહાડી વિસ્તાર ચમોલી જિલ્લામાં સોમવારે કુદરતે ભયાનક કોપ વર્સાવ્યો છે. ચમોલીના નીતિ ખીણ વિસ્તારમાં અચાનક આકાશ ફાટતાં ભયાનક વાદળ ફાટવાની (Cloudburst) ઘટના સામે આવી છે. ભારે વરસાદ અને પહાડો પરથી ધસમસતા આવેલા પાણીના પ્રવાહને કારણે સ્થાનિક 'તમક નાળું' ભયજનક સપાટી વટાવીને ઓવરફ્લો થઈ ગયું હતું, જેના કારણે નીતિ ખીણને જોડતો વ્યૂહાત્મક તમક બ્રિજ પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાઈ ગયો છે.

 

આ આકાશી આફતમાં બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) નો એક કર્મચારી પણ પૂરમાં તણાઈ જતાં ગુમ થયો હોવાના અહેવાલ સાંપડ્યા છે. સોમવારે બપોરે થયેલા આ મુસળધાર વરસાદને કારણે આસપાસના સ્થાનિક ઘરો, દુકાનો અને ખેતીની જમીનોને ભારે નુકસાન પહોંચ્યું છે. પૂરમાં બ્રિજ ધોવાઈ જતાં નીતિ ખીણનો સંપર્ક અન્ય વિસ્તારોથી સંપૂર્ણપણે કપાઈ ગયો છે.

 

ઘટનાની જાણ થતાં જ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ અને સ્થાનિક વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે. ચમોલીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારી નંદ કિશોર જોશીએ જણાવ્યુ હતું કે, "બચાવ અને રાહત કામગીરી હાથ ધરવા માટે SDRF અને પોલીસની ટીમોને તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. નાળાની નજીકના સંવેદનશીલ વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા માટે કડક સૂચના આપવામાં આવી છે." ગુમ થયેલા BRO કર્મચારીની શોધખોળ માટે સર્ચ ઓપરેશન પણ તેજ કરી દેવામાં આવ્યું છે.

(7:40 PM IST)