News of Monday, 10th August 2026
વી વુમન વોન્ટ કોન્ક્લેવ ૨૦૨૬ માં મુખ્યમંત્રી રેખા ગુપ્તાનો મક્કમ સૂર: દિલ્હીની મહિલાઓ હવે માત્ર લાભાર્થી નહીં, પરંતુ દેશના આર્થિક વિકાસની ધુરા સંભાળતી નેતા બની
દિલ્હી લક્ષ્મી યોજના અને સહેલી પિંક સ્માર્ટ કાર્ડ જેવી ક્રાંતિકારી પહેલો દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનું લક્ષ્ય; શક્તિ એવોર્ડ્સ ૨૦૨૬ માં નારી શક્તિનું ભવ્ય સન્માન

નવી દિલ્હી : ન્યૂઝએક્સ ગ્રુપ દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત 'વી વુમન વોન્ટ કોન્ક્લેવ અને શક્તિ એવોર્ડ્સ ૨૦૨૬' માં મહિલા સશક્તિકરણ, નાણાકીય આત્મનિર્ભરતા અને સામાજિક પરિવર્તનનો મુદ્દો કેન્દ્રસ્થાને રહ્યો હતો. આ ખાસ કાર્યક્રમને સંબોધિત કરતી વખતે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ભારતના વિકાસમાં મહિલાઓના વધતા યોગદાનને બિરદાવ્યું હતું અને સ્પષ્ટ કર્યું હતું કે દેશની મહિલાઓ હવે માત્ર સરકારી યોજનાઓની લાભાર્થી બનીને રહેવા માંગતી નથી, પરંતુ તેઓ ઉદ્યોગસાહસિક અને નિર્ણાયક નેતા તરીકે ઉભરી રહી છે.
મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું હતું કે ૨૦૧૪ થી દેશમાં મહિલા સશક્તિકરણ પ્રત્યેનો દૃષ્ટિકોણ ધરખમ રીતે બદલાયો છે. હવે મહિલાઓને રાષ્ટ્ર નિર્માણ, આર્થિક પ્રગતિ અને સામાજિક નેતૃત્વમાં સક્રિય ભાગીદાર તરીકે જોવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે શિક્ષણ, કૌશલ્ય વિકાસ, સુરક્ષિત પરિવહન અને કોલેટરલ-મુક્ત (જાામીનમુક્ત) લોનની સરળ ઉપલબ્ધતા મહિલાઓને આર્થિક રીતે સ્વતંત્ર બનવામાં અને પોતપોતાના નિર્ણય જાતે લેવામાં મોટો ટેકો પૂરો પાડી રહી છે.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ દિલ્હી સરકારની મહિલા-કેન્દ્રિત યોજનાઓનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. દિલ્હી લક્ષ્મી યોજના હેઠળ પાત્રતા ધરાવતી મહિલાઓને માસિક ₹૨,૫૦૦ ની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે, જેના માટે ૨૦૨૬-૨૭ ના બજેટમાં ₹૫,૧૧૦ કરોડની જોગવાઈ કરાઈ છે અને ઓગસ્ટ ૨૦૨૬ થી તેનું ઓનલાઈન પોર્ટલ પણ શરૂ કરી દેવાયું છે. આ ઉપરાંત, મહિલાઓની સુરક્ષિત મુસાફરી માટે 'સહેલી પિંક સ્માર્ટ કાર્ડ' લોન્ચ કરવામાં આવ્યું છે, જે ડિજિટલ સિસ્ટમ દ્વારા મફત બસ મુસાફરી સુવિધાસભર બનાવે છે.
કાર્યક્રમના મુખ્ય આકર્ષણ રૂપ 'શક્તિ પુરસ્કારો ૨૦૨૬' અંતર્ગત વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદાન આપનારી અને સાહસિક મહિલા ઉદ્યોગસાહસિકોનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે મહિલાઓની સલામતી, ગૌરવ અને આત્મનિર્ભરતા સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે, અને જ્યારે મહિલાઓ આર્થિક રીતે મજબૂત બને છે ત્યારે સમગ્ર પરિવાર, સમાજ અને દેશનો વિકાસ ઝડપી બને છે.
(7:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
