News of Monday, 10th August 2026
વિજય અને તૃષાના પ્રેમપ્રકરણ પરથી આખરે ઉંચકાયો પરદો: સીનિયર અભિનેત્રી કુટ્ટી પદ્મિનીએ કર્યો વિસ્ફોટક ખુલાસો; વિજયના પિતાના વિરોધને કારણે બંને લગ્ન કરી શક્યા નહોતા
વિજયના વૈવાહિક જીવનમાં પડેલી તિરાડ માટે તૃષાને જવાબદાર ગણાવવી તદ્દન ખોટી; ૨૦૦૪ ની 'ગિલ્લી' ફિલ્મ દરમિયાન બંને વચ્ચે હતો ગાઢ પ્રેમ, સિનિયર અભિનેત્રીના ઈન્ટરવ્યુથી ચકચાર

ચેન્નઈ : સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર થલપતિ વિજય અને સુંદર અભિનેત્રી તૃષા ક્રિષ્નન વચ્ચેના સંબંધોને લઈને લાંબા સમયથી ચાલી રહેલી અફવાઓ અને ચર્ચાઓ વચ્ચે આખરે એક મોટો ખુલાસો સામે આવ્યો છે. તૃષાની ખૂબ નજીક મનાતા અને તેને પોતાની પુત્રી ગણાવતા સીનિયર અભિનેત્રી કુટ્ટી પદ્મિનીએ એક ઈન્ટરવ્યુમાં વિજય અને તૃષા વચ્ચેના સંબંધોનું સત્ય જાહેર કરીને સૌને ચોંકાવી દીધા છે.
કુટ્ટી પદ્મિનીએ ખુલાસો કરતા જણાવ્યું કે, વર્ષ ૨૦૦૪ માં આવેલી હિટ ફિલ્મ 'ગિલ્લી'ના શૂટિંગ દરમિયાન વિજય અને તૃષા એકબીજાના પ્રેમમાં હતા અને બંને વચ્ચે સાચો પ્રેમ હતો. જોકે, તેમના આ પ્રેમપ્રકરણ અને લગ્નના નિર્ણય સામે વિજયના પિતા અને જાણીતા ડિરેક્ટર એસ. એ. ચંદ્રશેખર સખત વિરોધમાં હતા. પિતાની અસંમતિ અને નારાજગીના કારણે જ વિજય અને તૃષાએ પોતાના રસ્તા અલગ કરી લીધા હતા. આ બ્રેકઅપ બાદ વર્ષો સુધી બંને વચ્ચે કોઈ મુલાકાત કે સંવાદ થયો નહોતો.
તાજેતરમાં વિજયના તેની પત્ની સંગીતા સાથેના છૂટાછેડાની ચર્ચાઓ અને વિજયની રાજકીય એન્ટ્રી વચ્ચે તૃષાના ચરિત્ર પર આક્ષેપો થઈ રહ્યા હતા. આ અંગે કુટ્ટી પદ્મિનીએ સ્પષ્ટતા કરી હતી કે, "વિજય અને તેની પત્ની વચ્ચે છેલ્લા ઘણા વર્ષોથી અંગત મતભેદો ચાલી રહ્યા છે. પતિ-પત્ની વચ્ચેના તણાવ પાછળ અન્ય હજાર કારણો હોઈ શકે છે. તૃષાને આ કૌટુંબિક વિવાદ માટે બલિનો બકરો બનાવવી સંપૂર્ણપણે અયોગ્ય અને પાયાવિહોણું છે."
તેમણે વધુમાં ઉમેર્યું કે, વિજય એક અત્યંત સરળ અને પ્રામાણિક વ્યક્તિ છે, અને માત્ર કારમાં સાથે મુસાફરી કરવાથી કે જૂની મિત્રતા હોવાથી કોઈ સ્ત્રી પર આક્ષેપ મૂકવો યોગ્ય નથી. કુટ્ટી પદ્મિનીના આ સનસનાટીભર્યા ખુલાસા બાદ સાઉથ સિનેમાના ગલીયારામાં અને વિજયના ચાહકોમાં આ મુદ્દો ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
(8:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
