<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

સોશિયલ મીડિયા પર 'ફિટ અને સ્લિમ' દેખાવાના ક્રેઝમાં ભારતીય ક્રિકેટરો વજન ઘટાડવાના ઇન્જેક્શન લઈ રહ્યા છે? વિવાદિત રિપોર્ટથી ખેલ જગતમાં ભારે ચકચાર

ઓઝેમ્પિક અને મૌન્જારો જેવી ડાયાબિટીસની દવાઓનો ઉપયોગ કરી રહ્યા હોવાના અનામી સ્ત્રોતોના દાવો; વિરાટ કોહલીના ફિટનેસ ટ્રાન્સફોર્મેશનથી લઈ સોશિયલ મીડિયાના પ્રેશર સુધીની ચર્ચાઓએ જોર પકડ્યું

મુંબઈ : આધુનિક ક્રિકેટમાં માત્ર મેદાન પરનું પ્રદર્શન જ નહીં, પરંતુ સોશિયલ મીડિયા અને કેમેરા સામે ખેલાડીઓ કેવા દેખાય છે તે પણ ખૂબ મહત્વનું બની ગયું છે. ત્યારે ભારતીય ક્રિકેટ જગતમાંથી એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. દાવાઓ અનુસાર, સોશિયલ મીડિયા અને ફોટોશૂટમાં વધુ સ્લિમ તથા એટ્રેક્ટિવ દેખાવા માટે કેટલાક ભારતીય ક્રિકેટરો (જેમાં આઈપીએલના ખેલાડીઓ પણ શામેલ છે) તબીબી સલાહ વિના વજન ઘટાડવાના હાઈ-ડોઝ ઇન્જેક્શનનો ઉપયોગ કરી રહ્યા છે.

 

ક્રિકબ્લોગરના એક સ્પેશિયલ રિપોર્ટમાં જણાવ્યા મુજબ, ખેલાડીઓ ઓઝેમ્પિક (Ozempic) અને મૌન્જારો (Mounjaro) જેવી GLP-1 કેટેગરીની પ્રિસ્ક્રિપ્શન દવાઓ લઈ રહ્યા હોવાની આશંકા છે. મૂળભુત રીતે આ દવાઓ ટાઈપ-૨ ડાયાબિટીસ અને અત્યંત સ્થૂળતાની તબીબી સારવાર માટે વપરાય છે. આ દવાઓ ભૂખ ઘટાડીને શરીરનું વજન ઝડપથી ઉતારવામાં મદદ કરે છે, પરંતુ તબીબી માર્ગદર્શન વગર તેનો ઉપયોગ કરવો અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.

 

રિપોર્ટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ દાવાઓ અનામી સ્ત્રોતો પર આધારિત છે અને કોઈ ચોક્કસ ક્રિકેટરનું નામ સામે આવ્યું નથી, તેમજ તેની સ્વતંત્ર પુષ્ટિ પણ થઈ નથી. જોકે, આ રિપોર્ટે રમતવીરો પર સોશિયલ મીડિયા, ટ્રેનિંગ વિડિયોઝ અને ગ્લેમર વર્લ્ડ તરફથી વધી રહેલા 'પર્ફેક્ટ બોડી શેપ'ના દબાણ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. ભારતીય ક્રિકેટમાં વિરાટ કોહલીના ફિટનેસ ક્રાંતિને ઉદાહરણ તરીકે જોવામાં આવે છે, પરંતુ દેખાવ ખાતર શોર્ટકટ અપનાવવો એ ખેલાડીઓની સ્ટેમિના અને કારકિર્દી બંને માટે ચિંતાજનક બાબત છે.

(8:10 PM IST)