News of Monday, 10th August 2026
શેરી વિક્રેતાઓ માટે મોદી સરકારની મોટી ભેટ: પીએમ સ્વાનિધિ યોજના હેઠળ હવે મળશે ₹૩૦,૦૦૦ સુધીનું વ્યાજમુક્ત ક્રેડિટ કાર્ડ
સમયસર નાણાં ચૂકવનાર નાના વેપારીઓને મળશે ૨૦ થી ૫૦ દિવસ સુધી વ્યાજ વગરની ક્રેડિટ સુવિધા; ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર ₹૧,૬૦૦ સુધીનું કેશબેક પ્રોત્સાહન

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે નાના વેપારીઓ અને શેરી વિક્રેતાઓ (સ્ટ્રીટ વેન્ડર્સ) ને આત્મનિર્ભર બનાવવા અને નાણાકીય સહાય પૂરી પાડવાના ઉદ્દેશ્યથી 'પ્રધાનમંત્રી શેરી વિક્રેતાઓનું સ્વ-નિર્ભર ભંડોળ' (PM SVANIDHI) યોજના હેઠળ એક વિશેષ સુવિધા શરૂ કરી છે. આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા શેરી વિક્રેતાઓને માત્ર ગેરંટી વગરની લોન જ નહીં, પરંતુ ₹૩૦,૦૦૦ સુધીની મર્યાદા ધરાવતું UPI-લિંક્ડ RuPay ક્રેડિટ કાર્ડ પણ આપવામાં આવી રહ્યું છે.
પીએમ સ્વાનિધિ યોજના હેઠળ બેંક દ્વારા કોઈપણ ગેરંટી વિના ₹૧૫,૦૦૦, ₹૨૫,૦૦૦ અને ₹૫૦,૦૦૦ ની લોન ત્રણ તબક્કામાં આપવામાં આવે છે. જે વિક્રેતાઓએ તેમની બીજી હપ્તાની લોન સફળતાપૂર્વક ચૂકવી દીધી છે અને ત્રીજા હપ્તા માટે પાત્ર છે અથવા ત્રીજો હપ્તો મેળવી લીધો છે, તેઓ આ ક્રેડિટ કાર્ડ સુવિધા માટે અરજી કરી શકે છે. સમયસર બિલની ચુકવણી કરવા પર લાભાર્થીઓને ૨૦ થી ૫૦ દિવસ સુધી કોઈપણ વ્યાજ વગર ક્રેડિટ સુવિધાઓનો ઉપયોગ કરવાની તક મળશે.
ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા જથ્થાબંધ અને છૂટક ખરીદી પર ₹૧,૬૦૦ સુધીનું કેશબેક પ્રોત્સાહન પણ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે ૨૧ થી ૬૫ વર્ષની વયના વેપારીઓ પાસે આધાર કાર્ડ, પાન કાર્ડ, વેન્ડિંગ સર્ટિફિકેટ અથવા યુએલબી દ્વારા જારી કરાયેલ ઓળખપત્ર, બેંક ખાતાની વિગતો અને વર્તમાન સરનામાનો પુરાવો હોવો જરૂરી છે. અરજદારનું કોઈપણ બેંક એકાઉન્ટ એનપીએ (NPA) ન હોવું જોઈએ.
કાર્ડ જારી કરતી બેંકો અને નાણાકીય સંસ્થાઓને ઓટો-ડેબિટ સુવિધા સક્રિય કરવા માટેની સ્પષ્ટ માર્ગદર્શિકા આપવામાં આવી છે. પોર્ટલ પર અરજી કરતી વખતે મેળવેલ સંમતિના આધારે બિલ ચુકવણી માટે ઓટો-ડેબિટ સક્રિય રહેશે, જેથી નાના વેપારીઓને સમયસર ચુકવણી કરવામાં સરળતા રહે અને તેમના પર વધારાનો બોજ ન પડે.
(8:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
