<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

ઝારખંડમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અંગે રાહુલ ગાંધીનો આકરો પ્રહાર: "સરકાર ગમે તેની હોય, યુવાનો પર બળપ્રયોગ તદ્દન અયોગ્ય"

જંતર-મંતર હિંસા અને પેલેટ ગનના ઉપયોગ મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર સાધ્યું નિશાન; સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસ કરવાની માંગ

નવી દિલ્હી : ઝારખંડની રાજધાની રાંચીમાં JPSC અને JSSC પરીક્ષાઓના ઉમેદવારો દ્વારા કરવામાં આવી રહેલા શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા લાઠીચાર્જને લઈને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આકરી પ્રતિક્રિયા આપી છે. સોશિયલ મીડિયા પર પોતાની વાત રજૂ કરતા તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, સરકાર ગમે તેની હોય પરંતુ હક માટે અવાજ ઉઠાવી રહેલા યુવાનો અને વિદ્યાર્થીઓ સામે હિંસક કાર્યવાહી કે બળપ્રયોગ કરવો સંપૂર્ણપણે ખોટો છે અને તેની સખત શબ્દોમાં નિંદા થવી જોઈએ.

 

રાહુલ ગાંધીએ ઝારખંડ સરકારને અપીલ કરી હતી કે તેઓ વિદ્યાર્થીઓની માંગણીઓ સાંભળે અને તેમના તમામ મુદ્દાઓનું તાત્કાલિક નિવારણ લાવે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, લોકશાહીમાં વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરવાનો સંપૂર્ણ અધિકાર છે અને તેનો ઉકેલ માત્ર અને માત્ર વાતચીત દ્વારા જ શક્ય છે. વિપક્ષી નેતાએ ઉમેર્યું કે શાંતિપૂર્ણ આંદોલન સામે હિંસાનો ઉપયોગ કરવાના નિર્ણયને ક્યારેય સમર્થન આપી શકાય નહીં.

 

આ સાથે જ રાહુલ ગાંધીએ નવી દિલ્હીના જંતર-મંતર ખાતે વિદ્યાર્થીઓના પ્રદર્શન દરમિયાન થયેલી હિંસક ઘટનાઓ અને બળપ્રયોગ અંગે કેન્દ્ર સરકાર તથા ગૃહમંત્રાલય પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે પોતાના ભવિષ્ય માટે સવાલો પૂછતા નિર્દોષ વિદ્યાર્થીઓ સામે પેલેટ ગન, ખીલીવાળા ડંડા અને ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા. આ હિંસામાં અનેક વિદ્યાર્થીઓ અને સગીરો ઈજાગ્રસ્ત થયા હોવાનો તેમણે આરોપ લગાવ્યો હતો.

 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, આટલી ગંભીર ઘટના બાદ પણ ગૃહમંત્રી સંસદમાં આવીને જવાબ આપવાથી બચી રહ્યા છે. વિપક્ષ દ્વારા ચર્ચા માટે રજૂ કરાયેલા પ્રસ્તાવોને નકારી દેવામાં આવ્યા છે. તેમણે આ સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ નિષ્પક્ષ તપાસ કરાવવાની માંગ કરી છે અને સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી આ લડાઈ જારી રહેશે.

 

(8:14 PM IST)