<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

પ્રસ્તાવિત FCRA સુધારા બિલ ૨૦૨૬ અંગે ફેલાયેલી અફવાઓ પર વિરામ: ભારત સરકારે વૈશ્વિક સ્તરે આપ્યો સ્પષ્ટ જવાબ

વિદેશી દાન અને એનજીઓ (NGO) નિયમન અંગે યુએસ અને યુરોપિયન દેશોની ટીકાઓ સામે ભારતે વાસ્તવિકતાઓ રજૂ કરી; વિનય ક્વાત્રાએ સ્પષ્ટ કર્યું કે કાયદો કોઈપણ ધર્મ કે સમુદાય વિરુદ્ધ નથી

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે પ્રસ્તાવિત વિદેશી યોગદાન (નિયમન) સુધારા બિલ (FCRA), ૨૦૨૬ અંગે દેશ-વિદેશમાં ફેલાયેલી ગેરસમજો અને ખોટા દાવાઓ પર પૂર્ણવિરામ મુકતા સ્પષ્ટતા કરી છે. યુનાઇટેડ સ્ટેટ્સ અને કેટલાક યુરોપિયન દેશો તરફથી થઈ રહેલી ટીકાઓ વચ્ચે, યુએસ ખાતેના ભારતીય રાજદૂત વિનય ક્વાત્રા દ્વારા જારી કરવામાં આવેલા વ્યાપક નિવેદનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ બિલ સંપૂર્ણપણે સાર્વભૌમ ક્ષેત્રનો વિષય છે અને તે કોઈ ચોક્કસ ધર્મ, સમુદાય કે સંસ્થા વિરુદ્ધ નથી.

 

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા તથ્યો અનુસાર, FCRA અંગે ફેલાવવામાં આવતી પાંચ મુખ્ય અફવાઓ અને તેની સામેની વાસ્તવિકતાઓ નીચે મુજબ છે:


 

  • અફવા ૧: ભારત નાગરિક સમાજ (NGOs) માટે વિદેશી સહાય બંધ કરી રહ્યું છે.

 

વાસ્તવિકતા: જાહેર ક્ષેત્રમાં વિદેશી ભંડોળનું નિયમન એ રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલું સાર્વભૌમ પગલું છે. ૧૯૭૬ માં બનેલા આ કાયદાને ૨૦૧૦, ૨૦૧૬, ૨૦૧૮ અને ૨૦૨૦ માં સુધારવામાં આવ્યો હતો. ૨૦૨૬ નું બિલ માત્ર પારદર્શિતા અને સારા શાસન માટે છે. નિયમોનું પાલન કરતી હજારો સંસ્થાઓ આજે પણ આરોગ્ય, શિક્ષણ અને માનવતાવાદી કાર્યો માટે વિદેશી ભંડોળ મેળવી રહી છે.

 

  • અફવા ૨: FCRA થી વિદેશી ભંડોળનો પ્રવાહ ઘટી ગયો છે અને NGOs ને નુકસાન થયું છે.

 

વાસ્તવિકતા: ભારતમાં વિદેશી ભંડોળ ૨૦૧૦-૧૧ ના $૧.૨ બિલિયનથી વધીને ૨૦૨૪-૨૫ માં અંદાજે $૨.૬૭ બિલિયન થયું છે. દેશમાં રહેલા ૩૦ લાખથી વધુ NGOs માંથી માત્ર ૧૪,૪૫૦ પાસે જ FCRA નોંધણી છે. આ કાયદો વિદેશી દાન સ્વીકારતા અટકાવતો નથી, પરંતુ માત્ર નોંધણી અને પારદર્શક હિસાબ માંગે છે.

 

  • અફવા ૩: સરકાર સંસ્થાઓ અને પૂજા સ્થાનોની મિલકતો જપ્ત કરી લેશે.

 

વાસ્તવિકતા: ૨૦૧૦ થી અમલમાં રહેલી સિસ્ટમ મુજબ જ નોંધણી રદ થાય ત્યારે સંપત્તિઓ રાજ્ય સરકારના નિયંત્રણ હેઠળ રહે છે. ૨૦૨૬ નું બિલ આ સંપત્તિઓના સંરક્ષણ માટે વધુ સ્પષ્ટતા લાવે છે. નોંધણી પુનઃસ્થાપિત થતાં જ તમામ ભંડોળ પરત મળી જાય છે. વધુમાં, પૂજા સ્થાનો માટે વિશેષ જોગવાઈ છે કે રદ થયેલી સંસ્થાની પૂજા સ્થળ સંબંધિત મિલકત તે જ ધર્મની બીજી FCRA-રજિસ્ટર્ડ સંસ્થાને સોંપવામાં આવે છે.

 

  • અફવા ૪: આ કાયદો ચોક્કસ ધર્મ કે સમુદાયને લક્ષ્ય બનાવે છે.

 

વાસ્તવિકતા: આ કાયદો ધર્મ, સમુદાય કે વિચારધારાના ભેદભાવ વગર તમામ સંસ્થાઓને સમાન રીતે લાગુ પડે છે. કોઈપણ ધર્મની સંસ્થાઓ ધાર્મિક શિક્ષણ, પૂજા સ્થાનોની જાળવણી અને સખાવતી કાર્યો માટે નિયમાનુસાર વિદેશી દાન મેળવી શકે છે.

 

  • અફવા ૫: ભારત આવો કાયદો બનાવનાર એકમાત્ર દેશ છે.

 

વાસ્તવિકતા: અમેરિકામાં ૧૯૩૮ થી FARA અને ૨૦૧૦ થી FATCA કાયદા અમલી છે. ઓસ્ટ્રેલિયા (૨૦૧૮), કેનેડા (૨૦૨૪) અને યુકે (જુલાઈ ૨૦૨૫) માં પણ આવા કાયદા લાગુ છે, જ્યારે યુરોપિયન યુનિયન પણ હાલમાં આ પ્રકારનો મુસદ્દો તૈયાર કરી રહ્યું છે.

(8:45 PM IST)