<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

NSA અજિત ડોભાલના 'અંડરકવર એજન્ટ' અને IAS અધિકારીનો ઢોંગ રચનાર મહાઠગની ધરપકડ: કિંમતી ટેસ્લા કાર, દારૂનો જથ્થો અને સાધનો જપ્ત

સીવીસી કાર્ડ અને આઈએએસ અધિકારી તરીકેનું બનાવટી આઈડી બતાવીને રોફ જમાવતો હતો મનીષ ગુપ્તા; ઘર પર દરોડા દરમિયાન બારાસિંગાના શીંગડા અને લક્ઝરી ગાડીઓ મળી આવતા સસપેન્સ વધ્યું

ખાગરિયા : બિહારના ખાગરિયા જિલ્લામાંથી એક ચોંકાવનારી અને ફિલ્મની સ્ક્રિપ્ટ જેવી ઘટના સામે આવી છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલના નેતૃત્વ હેઠળ કામ કરતા ગુપ્ત એજન્ટ અને આઈએએસ (IAS) અધિકારી હોવાનો દાવો કરીને લોકો સાથે છેતરપિંડી આચરતા મનીષ ગુપ્તા નામના શખ્સની પોલીસે ધરપકડ કરી છે. ગુપ્ત બાતમીના આધારે ગોગરી પોલીસ સ્ટેશન વિસ્તારના જમાલપુર સ્થિત તેના નિવાસસ્થાને દરોડા પાડીને પોલીસે આ સફળતા મેળવી હતી.

 

ધરપકડ દરમિયાન આરોપીએ પોલીસ પર રોફ જમાવવાનો પ્રયાસ કરતા પોતાને સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (CVC) ના અધિકારી તરીકે ઓળખાવ્યા હતા અને IAS અધિકારીનું આઈડી કાર્ડ રજૂ કર્યું હતું. જોકે, પોલીસે કડક પૂછપરછ અને પ્રાથમિક તપાસ કરતા તેના તમામ દાવાઓ તદ્દન ખોટા અને બનાવટી સાબિત થયા હતા.

 

આરોપીના ઘરેથી દરોડા દરમિયાન પોલીસે ૩૧ લિટરથી વધુ આયાતી વિદેશી દારૂ, મોટી માત્રામાં બિયર, અને 'ભારત સરકાર' લખેલી કિંમતી ટેસ્લા કાર (જેમાં ફુલ સેલ્ફ-ડ્રાઇવિંગ ફિચર સજ્જ છે) તથા એક ટાટા સફારી ગાડી જપ્ત કરી છે. આ ઉપરાંત તેના પરિસરમાંથી ૫ મોંઘા આઈફોન, ૨૦ ક્રેડિટ કાર્ડ, ૮ ડેબિટ કાર્ડ, ૪ ચેકબુક અને વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ ગુનો બનતા બારાસિંગાના બે શીંગડા પણ મળી આવ્યા છે.

 

ખાગરિયાના એસપી ભાનુ પ્રતાપ સિંહે જણાવ્યું હતું કે આરોપીએ આ તમામ સંપત્તિ અને લક્ઝરી સાધનો છેતરપિંડી તથા ભ્રષ્ટાચાર દ્વારા મેળવ્યા હોવાની પ્રબળ આશંકા છે. હાલમાં બિહાર પોલીસના ઇકોનોમિક ઓફેન્સ યુનિટ (EOU) અને અન્ય સ્પેશિયલ એજન્સીઓની મદદથી મનીષ ગુપ્તાની સંપત્તિઓ તથા તેના નેટવર્ક અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

 

(8:46 PM IST)