<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

અતિક અહેમદના પુત્ર અલીના પોલીસ કાફલા પાછળ દોડતી ૨૧ ખાનગી ગાડીઓ સામે FIR: ટોલ પ્લાઝા પર દાદાગીરી અને કર્મચારીઓને કચડી નાખવાનો પ્રયાસ

નાના ભાઈ અબાનના અંતિમ સંસ્કારમાં જતી વખતે સમર્થકોએ ટોલ બૂથ પર બેરિયર તોડી ગુંડાગીરી આચરી; પોલીસે ગાડીઓની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ફતેહપુર : માફિયા નેતા અતિક અહેમદના નાના પુત્ર અબાનના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે ઝાંસી જેલમાંથી અલી અને લખનૌ જેલમાંથી ઉમરને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પ્રયાગરાજ લઈ જવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન તેમની જેલ વાન પાછળ દોડી રહેલા કાફલાના સમર્થકોએ ટોલ પ્લાઝા પર ભારે ધમાલ મચાવી હતી. ફતેહપુર જિલ્લાના કટોઘન અને બરૌરી ટોલ પ્લાઝા પર કાયદો હાથમાં લઈને કર્મચારીઓ સાથે મારપીટ, ધમકી અને વાહનો ચડાવી દેવાનો પ્રયાસ કરવા બદલ ૨૧ ખાનગી વાહનોના ચાલકો અને સવારો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

 

મળતી માહિતી મુજબ, ૮ ઓગસ્ટના રોજ બપોરે અલીને લઈ જઈ રહેલી પોલીસ ટીમ પાછળ ડઝનબંધ ખાનગી વાહનોનો કાફલો ઝડપથી ચાલી રહ્યો હતો. બરૌરી અને કટોઘન ટોલ પ્લાઝા પર જ્યારે કર્મચારીઓએ આ ખાનગી વાહનોને ટોલ ટેક્સ ચૂકવવા માટે રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે વાહનોમાં સવાર લોકોએ પોતાને અતિક અહેમદના માણસો ગણાવીને ગાળાગાડી કરી હતી. એટલું જ નહીં, બૂથ કર્મચારીઓને જાનથી મારી નાખવાના ઈરાદે તેમની તરફ પુરપાટ ઝડપે ગાડીઓ દોડાવી બેરિયરો તોડી નાખ્યા હતા, જેનાથી કર્મચારીઓએ ભાગીને પોતાનો જીવ બચાવવો પડ્યો હતો.

 

બરૌરી ટોલ મેનેજર જિતેન્દ્ર સિંહ અને કટોઘન સહાયક ટોલ મેનેજર સોનુ સિંહે આપેલી ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરી છે. ફતેહપુરના એસપી અભિમન્યુ માંગલિકે જણાવ્યું કે કટોઘન ઘટનામાં ૧૧ અને બરૌરી ઘટનામાં ૧૦ વાહનોના ચાલકો તથા મુસાફરો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. સીસીટીવી ફુટેજના આધારે તમામ વાહનોની ઓળખ કરી લેવામાં આવી છે અને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

 

બીજી તરફ, લખનૌથી ઉમર અહેમદને લઈ જતી પોલીસ વાન પાછળ પણ આવી જ ઘટના બની હતી. પ્રતાપગઢના હાથીગવન ખાતે કોટિલા અખ્તિયારી અને પ્રયાગરાજ નજીક નવાબગંજ ટોલ પ્લાઝા પર પણ ૨૮ થી વધુ વાહનોના કાફલાએ બેરિયર તોડી કર્મચારીઓને કચડવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે પણ પ્રતાપગઢ અને પ્રયાગરાજ પોલીસ દ્વારા હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

(8:48 PM IST)