News of Monday, 10th August 2026
૧૦૦% શુદ્ધતાના પોકળ દાવાઓનો પર્દાફાશ: પેકેજ્ડ ફૂડ કંપનીઓ સામે FSSAI ની સર્જિકલ સ્ટ્રાઈક
બ્રિટાનિયા, ડાબર અને એનર્જી ડ્રિંક કંપનીઓને ગ્રાહકોને ગેરમાર્ગે દોરવા બદલ ફટકાર; અસ્વચ્છતા અને ભેળસેળ બદલ ફેક્ટરીઓના લાઈસન્સ રદ

નવી દિલ્હી : બજારમાં મળતા પેકેજ્ડ ખાદ્ય પદાર્થો અને પીણાં '૧૦૦% શુદ્ધ' કે 'ઓર્ગેનિક' હોવાના કંપનીઓના દાવાઓ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ લાલ આંખ કરી છે. તાજેતરમાં હાથ ધરાયેલી કડક ઝુંબેશ દરમિયાન બ્રિટાનિયા, ડાબર જેવી દિગ્ગજ કંપનીઓના ઉત્પાદનો પર કરાતા ૧૦૦ ટકા શુદ્ધતાના દાવા પોકળ સાબિત થયા છે, જેનાથી ગ્રાહકોની આરોગ્ય સુરક્ષા સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થયા છે.
FSSAI ની તપાસ દરમિયાન સામે આવ્યું કે બ્રેડ માર્કેટમાં મોટો હિસ્સો ધરાવતી બ્રિટાનિયા કંપનીની બ્રેડ '૧૦૦% ઘઉં' હોવાનો દાવો પૂરો કરવામાં નિષ્ફળ રહી છે. આ સિવાય ડાબર કંપનીને પણ મધ, નાળિયેર પાણી અને સરકો (વિનેગર) જેવા ઉત્પાદનો પરથી "૧૦૦% શુદ્ધ અને ઓર્ગેનિક ભારત" જેવા ગેરમાર્ગે દોરતા લેબલ્સ તાત્કાલિક દૂર કરવા આદેશ અપાયો છે. આ ઉપરાંત, કોઈ ચોક્કસ સરકારી વ્યાખ્યા ન હોવા છતાં પીણાં પર લગાવવામાં આવતા 'એનર્જી ડ્રિંક' ના લેબલ પણ હટાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
માત્ર ગેરમાર્ગે દોરતી જાહેરાતો જ નહીં, પરંતુ ખરાબ ગુણવત્તા સામે પણ ઓથોરિટીએ કડક પગલાં લીધાં છે. ઉત્તર પ્રદેશમાં VKC નટ્સ પ્રાઇવેટ લિમિટેડના પ્રોસેસિંગ યુનિટમાં દરોડા દરમિયાન ડ્રાયફ્રુટ્સમાં કીડા, ફૂગ, ઉંદરોનો ઉપદ્રવ અને ભારે ગંદકી મળી આવતા તેનું લાઈસન્સ રદ કરવામાં આવ્યું છે. આ અગાઉ AWL એગ્રી બિઝનેસના ખાદ્ય તેલમાં વિટામિન A અને D ની ઉણપ જણાતા તેને ભારે દંડ ફટકારવામાં આવ્યો હતો.
હાલમાં દેશભરમાં નકલી ચીઝ, મસાલા અને ભેળસેળયુક્ત ખાદ્ય સામગ્રી બનાવતી ફેક્ટરીઓ પર સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે. FSSAI એ ગ્રાહકોને પણ જાગૃત બનવા અને ખાસ કરીને ઓનલાઈન ખરીદી કરતી વખતે પેકેટ પર લખેલા ઘટકો (Ingredients) કાળજીપૂર્વક વાંચવા અપીલ કરી છે. આ મામલે ગ્રાહક અધિકાર સંગઠનોનું કહેવું છે કે માત્ર દંડ કે નોટિસ પૂરતી નથી, પરંતુ ગ્રાહકોના સ્વાસ્થ્યના રક્ષણ માટે દેશવ્યાપી કડક ઝુંબેશ ચલાવવી જરૂરી છે.
(8:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
