<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

યુએસમાં H-1B અને L-1 વિઝા નિયમોમાં મોટો ફેરફાર: સેમ-જોબ એક્સ્ટેન્શન પર લાદવામાં આવી $૪,૦૦૦ ની ફી, ભારતીય આઈટી વ્યાવસાયિકોમાં ચિંતા

અમેરિકી ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) નો નવો નિયમ ૯ સપ્ટેમ્બર ૨૦૨૬ થી થશે અમલી; ગ્રીન કાર્ડ બેકલોગમાં અટવાયેલા ભારતીય કામદારો પર પડશે પરોક્ષ અસર

વોશિંગ્ટન : અમેરિકામાં નોકરી કરતા લાખો ભારતીય આઈટી પ્રોફેશનલ્સ અને ભારતીય આઈટી કંપનીઓ માટે ચિંતાજનક સમાચાર આવ્યા છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) એ H-1B અને L-1 વિઝા એક્સ્ટેંશનના નિયમોમાં મોટો ફેરફાર કરીને વધારાની ફી લાદવાની જાહેરાત કરી છે. નવા નિયમ મુજબ, હવે એક જ એમ્પ્લોયર (નોકરીદાતા) સાથે કામ ચાલુ રાખવા માટે કરાતા 'સેમ-જોબ એક્સ્ટેન્શન' પર પણ $૪,૦૦૦ (H-1B માટે) અને $૪,૫૦૦ (L-1 માટે) ની બાયોમેટ્રિક અને 9/11 રિસ્પોન્સ ફી ચૂકવવી પડશે. આ આદેશ ૯ સપ્ટેમ્બર, ૨૦૨૬ થી દેશભરમાં અમલમાં આવશે.

 

આ નિયમ મુખ્યત્વે એવી મોટા ગજાની કંપનીઓ પર લાગુ થશે જેમના યુએસમાં ૫૦ કે તેથી વધુ કર્મચારીઓ છે અને તેમના કુલ કાર્યબળમાંથી ૫૦% થી વધુ લોકો H-1B અથવા L-1 વિઝા ધારકો છે. અગાઉ આ પ્રકારે એક જ કંપનીમાં વિઝા લંબાવતી વખતે આ વિશેષ ફીમાંથી મુક્તિ મળતી હતી, પરંતુ DHS એ સ્પષ્ટ કર્યું છે કે યુએસ કોંગ્રેસના મૂળ ઉદ્દેશ્ય મુજબ બાયોમેટ્રિક સિસ્ટમના ફંડિંગ માટે આ તમામ અરજીઓ પર ફી વસૂલવી જરૂરી છે. જોકે આ ફીનો નાણાકીય બોજ કર્મચારીઓ પર નહીં પરંતુ સ્પોન્સર કરનાર કંપનીઓએ ઉઠાવવાનો રહેશે.

 

નવા સુધારાથી ખાસ કરીને ભારતીય કામદારો વધુ પ્રભાવિત થશે. ગ્રીન કાર્ડ મેળવવામાં દાયકાઓ લાંબો બેકલોગ હોવાના કારણે ભારતીય આઈટી વ્યાવસાયિકોને વારંવાર H-1B વિઝા એક્સ્ટેંશન કરાવવું પડે છે. આ સંજોગોમાં કંપનીઓ પર વધારાનો આર્થિક બોજ પડવાથી તેઓ વિઝા રિન્યૂ કરવાના નિર્ણયો પર પુનઃવિચાર કરી શકે છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે DHS એ આ દલીલોને ફગાવતા જણાવ્યું છે કે આ કાયદો ચોક્કસ દેશના નાગરિકોને લક્ષ્ય બનાવીને બનાવવામાં આવ્યો નથી.

 

યુએસ ગવર્નમેન્ટનો અંદાજ છે કે આ નવા ફી માળખાથી નાણાકીય વર્ષ ૨૦૨૬ અને ૨૦૨૭ દરમિયાન લગભગ $૭૭.૯૫ મિલિયન (આશરે ₹૬૫૦ કરોડથી વધુ) ની વધારાની આવક થશે. આ એકત્રિત ભંડોળનો ઉપયોગ યુએસ કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન દ્વારા બોર્ડર પર ઉપયોગમાં લેવાતી બાયોમેટ્રિક એન્ટ્રી-એક્ઝિટ અને ટ્રાવેલર વેરિફિકેશન સિસ્ટમને વધુ મજબૂત કરવા માટે કરવામાં આવશે.

(9:02 PM IST)