<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

ડ્રાઈવરને વરસાદને કારણે અધૂરો પુલ દેખાયો ના હોવાથી વેન પાણીમાં ખાબકી : માસુમ બાળક સહીત 9 લોકોના કરૂણમોત

મધ્ય પ્રદેશનાં રાજગઢ જીલ્લામાં 2 દિવસથી સતત વરસાદને કારણે સ્થિતિ વણસી :મુખ્યમંત્રી મોહન યાદવે મૃતકોના પરિવારજનોને 4-4 લાખની સહાયની જાહેરાત કરી

મધ્ય પ્રદેશનાં રાજગઢ જીલ્લામાં 2 દિવસથી સતત વરસાદને કારણે સ્થિતિ વણસી રહી છે. સોમવારે પચોર-સારંગપુર રોડ પાસે જિરી કેનાલમાં 11 લોકો ભરેલી ઈકો વેન ખાબકી હતી. આ દુર્ઘટનામાં અત્યારસુધી 9 લોકોનાં મૃતદેહ મળી આવ્યા છે. મૃતકોમાં 3 પુરુષ, 2 મહિલાઓ અને 3 વર્ષીય બાળક સામેલ છે. 2 લોકો તરીને બહાર આવ્યા હતા. જ્યારે અન્ય મૃતદેહોની એસડીઆરએફ શોધ કરી રહી છે. તમામ મૃતદેહોને સારંગપુર લઈ જવાયા હતા.

ઈકો વેનમાં સવાર તમામ લોકો દેવાસ જીલ્લાનાં હતા અને સતવાસથી કડલાવદ ગામ જતા હતા. વાહનમાં 3 પુરુષ, 4 મહિલાઓ અને 4 બાળકો સામેલ હતા. કાર મુકેશ સિંહ ચૌહાણ ચલાવી રહ્યો હતો. મુકેશ અને તેના કાકા હુકુમ સિંહ તરીને બહાર નીકળી આવ્યા હતા.  

જીરી કેનાલ પર પૂલ બની રહ્યો છે અને તે હાલ અધુરો હોવાથી આ દુર્ઘટના સર્જાઈ. ડ્રાઈવરને વરસાદને કારણે અધૂરો પુલ દેખાયો ના હોવાથી વેન પાણીમાં ખાબકી હતી. સારંગપુર એસડીએમ રોહિતે જણાવ્યું કે- સતત વરસાદને કારણે 40-50 ગામમાં પાણી ભરાયાની સમસ્યા છે. ઘણાં લોકોએ ડ્રાઈવરને ત્યાંથી આગળ ના જવા માટે કહ્યું હતું. પરંતુ તેમછતાં ડ્રાઈવરે ગાડી આગળ ચલાવી અને પાણીમાં ખાબકી હતી. મુખ્યમંત્રી મોહન યાદવે મૃતકોના પરિવારજનોને 4-4 લાખની સહાયની જાહેરાત કરી હતી. 

(11:30 PM IST)