News of Tuesday, 11th August 2026
મુંબઈમાં બે દિવસીય ‘બ્રિક્સ ફ્રેન્ડશિપ સિટીઝ કોન્ક્લેવ’ શરૂ: વિશ્વના ૧૫ શહેરોના પ્રતિનિધિઓ દ્વારા શહેરી પડકારો પર મંથન

મુંબઈ, તા. ૧૧ : ભારતની અધ્યક્ષતામાં મુંબઈમાં આજથી તા. ૧૧ અને ૧૨ ઓગસ્ટ દરમિયાન બીજા ‘બ્રિક્સ ફ્રેન્ડશિપ સિટીઝ કોન્ક્લેવ-૨૦૨૬’નું આયોજન કરવામાં આવ્યું છે. ‘મુંબઈ ફર્સ્ટ’ દ્વારા ભારત સરકાર અને મહારાષ્ટ્ર સરકારના સહયોગથી યોજાનારી આ આંતરરાષ્ટ્રીય બેઠકમાં વિવિધ બ્રિક્સ દેશો તથા સહભાગી દેશોના આશરે ૧૫ શહેરોના પ્રતિનિધિઓ, નીતિનિર્ધારકો અને શહેરી વિકાસ નિષ્ણાતો ભાગ લેશે. સત્તાવાર કાર્યક્રમ મુજબ બે દિવસની બેઠકમાં ઉચ્ચસ્તરીય ઉદ્ઘાટન સત્ર, વિષયવાર ચર્ચાઓ અને સમાપન સત્ર યોજાશે.
કોન્ક્લેવનું મુખ્ય સૂત્ર સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉ વિકાસ આધારિત શહેરોનું નિર્માણ છે. ચાર મુખ્ય વિષયોમાં હવામાન અને પર્યાવરણીય સ્થિતિસ્થાપકતા; ભવિષ્યલક્ષી શહેરી આયોજન, પરિવહન અને માળખાકીય સુવિધા; સર્વસમાવેશક અને માનવકેન્દ્રિત શહેરી વિકાસ તથા શહેરી શાસન, નાણાં અને ડિજિટલ પરિવર્તનનો સમાવેશ થાય છે.
મુંબઈ જેવા દરિયાકાંઠાના શહેરો માટે સમુદ્રની સપાટીમાં વધારો, પૂર, કિનારાક્ષય અને ભારે ગરમીથી બચવાના ઉપાયો ઉપરાંત જાહેર પરિવહન, પ્રદૂષણ, સસ્તાં મકાનો, ઝૂંપડપટ્ટી સુધારણા અને શહેરી વહીવટમાં કૃત્રિમ બુદ્ધિમત્તાના ઉપયોગ અંગે ચર્ચા થવાની છે. ચીન, રશિયા, ઇજિપ્ત, ઇન્ડોનેશિયા, દક્ષિણ આફ્રિકા, ઈરાન અને ભારત સહિતના દેશોના નિષ્ણાતો કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છે.
(11:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
