<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

ઝારખંડમાં ભાજપનું ‘બંધ'નું એલાનઃ પરીક્ષા કૌભાંડમાં JPSCના પૂર્વ ચેરમેનની ધરપકડ

રણમેદાન બન્‍યું રાંચીઃ હાઈ એલર્ટઃ ડ્રોનથી કડક સુરક્ષા મોનિટરિંગ

રાંચી, તા.૧૧: ઝારખંડમાં JPSC અને JSSC ભરતી પરીક્ષાઓમાં કથિત અનિયમિતતાઓ સામે વિરોધ કરી રહેલા નિર્દોષ વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા કરવામાં આવેલા ક્રૂર લાઠીચાર્જ બાદ રાજ્‍યભરમાં રોષનો જ્‍વાળામુખી ફાટી નીકળ્‍યો છે. આ કાયરતાપૂર્ણ પોલીસ બર્બરતાના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી એ આજે, મંગળવારે સમગ્ર ઝારખંડ બંધનું આક્રમક એલાન આપ્‍યું છે. વિધાનસભા ઘેરાવ દરમિયાન થયેલા ઘર્ષણ અને ત્‍યારબાદ ભડકેલા વિરોધ પ્રદર્શનોને કારણે રાજ્‍યનું રાજકારણ અત્‍યંત ગરમ થઈ ગયું છે, જ્‍યારે બીજી તરફ મુખ્‍યમંત્રી હેમંત સોરેને યુવાનોને શાંતિ જાળવવા વિનંતી કરતા કાયદાકીય તપાસની ખાતરી આપી છે.

આ મોટા વિવાદ વચ્‍ચે રાજ્‍યની સીઆઈડી એ સનસનાટીભર્યા પગલાં ભરતા JPSC ના ભૂતપૂર્વ ચેરમેન અને પૂર્વ મુખ્‍ય સચિવ એલ. ખિયાંગટેની ધરપકડ કરી લીધી છે. ઉમેદવારોના ભારે વિરોધ અને સત્તાવાર નિવાસસ્‍થાને દરોડા બાદ ખિયાંગટેએ તાજેતરમાં જ પોતાના પદ પરથી રાજીનામું આપ્‍યું હતું. આ કૌભાંડમાં અત્‍યાર સુધીમાં ૨૦ થી વધુ લોકોની ધરપકડ થઈ ચૂકી છે, જેમાં JPSC ના અન્‍ય ત્રણ સભ્‍યોના રાજીનામાએ સંસ્‍થાની પારદર્શિતા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. ધરપકડ કરાયેલા પૂર્વ ચેરમેને આક્ષેપો ફગાવતા દાવાઓ કર્યા છે કે તેઓ નિષ્‍પક્ષ તપાસ માટે જ સહયોગ આપી રહ્યા છે.

વિદ્યાર્થીઓના આક્રોશ અને ભાજપના બંધના એલાનને પગલે રાજધાની રાંચીને સંપૂર્ણપણે પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવી છે. જયપાલ સિંહ સ્‍ટેડિયમથી લઈને વિધાનસભા માર્ગ સુધી વધારાના બળો તૈનાત કરીને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્‍યું છે. કોઈપણ પ્રકારની અરાજકતા, હિંસા કે સરકારી મિલકતોને નુકસાન રોકવા માટે ડ્રોન કેમેરા અને સિટી કન્‍ટ્રોલ રૂમ દ્વારા સતત હવાઈ દેખરેખ રાખવામાં આવી રહી છે. ટ્રાફિક વ્‍યવસ્‍થા સુચારૂ રાખવા માટે પોલીસ સતર્ક છે અને સંવેદનશીલ વિસ્‍તારોમાં કોઈપણ ઈમરજન્‍સી પરિસ્‍થિતિને પહોંચી વળવા માટે ખાસ ક્‍વિક રિસ્‍પોન્‍સ ટીમ તૈયાર રાખવામાં આવી છે.

(11:31 AM IST)