<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

દિલ્હીના પાવર કોરિડોરમાં ધડાધડ ફેરફાર: છ વરિષ્ઠ આઈએએસ અધિકારીઓની મહત્વની મંત્રાલયો-વિભાગોમાં નવી ગોઠવણ

નવી દિલ્હી, તા. ૧૧ : કેન્દ્ર સરકારે સચિવ સ્તરે મહત્વપૂર્ણ વહીવટી ફેરબદલ કરતાં છ વરિષ્ઠ આઈએએસ અધિકારીઓને નવી જવાબદારીઓ સોંપી છે. કેબિનેટની નિયુક્તિ સમિતિએ ૨૩ જુલાઈના અગાઉના આદેશમાં આંશિક ફેરફાર કરીને ૧૦ ઓગસ્ટે નવી ગોઠવણને મંજૂરી આપી છે.

 

મધ્ય પ્રદેશ કેડરના વર્ષ ૧૯૯૪ના અધિકારી પલ્લવી જૈન ગોવિલને યુવા બાબતોના સચિવ પદેથી કોર્પોરેટ બાબતોના મંત્રાલયના સચિવ બનાવાયા છે. તેમના સ્થાને ભારતીય આંતરિક જળમાર્ગ પ્રાધિકરણના અધ્યક્ષ અને વર્ષ ૧૯૯૩ના તમિલનાડુ કેડરના સુનીલ પાલીવાલને યુવા બાબતોના સચિવ બનાવાયા છે.

 

મધ્ય પ્રદેશ કેડરના વર્ષ ૧૯૯૩ના દીપ્તિ ગૌર મુકર્જીને કોર્પોરેટ બાબતોમાંથી ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ બનાવાયા છે. તેઓ વિનીત જોશીનું સ્થાન લેશે. અગાઉ આ પદ માટે નરેશ પાલ ગંગવારનું નામ જાહેર થયું હતું, પરંતુ તાજા આદેશથી તે વ્યવસ્થામાં ફેરફાર થયો છે.

 

ઓડિશા કેડરના વર્ષ ૧૯૯૫ના સુશીલકુમાર લોહાનીને ભારતીય આંતરિક જળમાર્ગ પ્રાધિકરણના અધ્યક્ષ બનાવાયા છે અને તેમના માટે આ પદને અસ્થાયી રીતે ભારત સરકારના સચિવના દરજ્જા અને પગારમાં અપગ્રેડ કરાયું છે.

 

વર્ષ ૧૯૯૨ના મધ્ય પ્રદેશ કેડરના વી. એલ. કાંતા રાવને ગૃહ મંત્રાલયના રાજભાષા વિભાગમાં વિશેષ કાર્ય અધિકારી બનાવાયા છે. તેઓ ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ અંસુલી આર્યની નિવૃત્તિ બાદ રાજભાષા વિભાગના સચિવનો કાર્યભાર સંભાળશે.

 

વર્ષ ૧૯૯૫ના અસમ-મેઘાલય કેડરના અર્ચના વર્માને જળસંસાધન, નદી વિકાસ અને ગંગા પુનર્જીવન વિભાગના સચિવ નિયુક્ત કરાયા છે. તેઓ હાલમાં રાષ્ટ્રીય જળ મિશનના મિશન ડિરેક્ટર છે.

(11:34 AM IST)