અંદામાન-નિકોબારના વહીવટી સુકાનમાં મોટો ફેરફાર: જ્ઞાનેશ ભારતી બન્યા નવા મુખ્ય સચિવ

નવી દિલ્હી, તા. ૧૧ : કેન્દ્ર સરકારે અંદામાન અને નિકોબાર ટાપુસમૂહના વહીવટી તંત્રમાં મહત્વપૂર્ણ ફેરફાર કરતાં વર્ષ ૧૯૯૮ની બેચના એજીએમયુટી કેડરના વરિષ્ઠ આઈએએસ અધિકારી જ્ઞાનેશ ભારતીને કેન્દ્રશાસિત પ્રદેશના નવા મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કર્યા છે. ગૃહ મંત્રાલયના આદેશ મુજબ તેઓ હોદ્દાનો કાર્યભાર સંભાળે તે તારીખથી અને આગામી આદેશ સુધી મુખ્ય સચિવ તરીકે કાર્યરત રહેશે.
જ્ઞાનેશ ભારતી હાલ કેન્દ્રિય પ્રતિનિયુક્તિ હેઠળ ભારતના ચૂંટણી પંચમાં નાયબ ચૂંટણી કમિશનર તરીકે સેવા આપી રહ્યા હતા. તેમને ૨૫ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ નાયબ ચૂંટણી કમિશનર બનાવવામાં આવ્યા હતા અને તેમનો કાર્યકાળ મૂળરૂપે ૧૮ જૂન, ૨૦૨૮ સુધીનો હતો. જોકે ગૃહ મંત્રાલયની વિનંતીના આધારે કેબિનેટની નિયુક્તિ સમિતિએ તેમને સમય પહેલાં તેમના મૂળ એજીએમયુટી કેડરમાં પરત મોકલવાની મંજૂરી આપી હતી. તેમની પર વિસ્તૃત ‘કૂલિંગ ઓફ’ અવધિની શરત પણ લાગુ કરવામાં આવી છે.
કેન્દ્રિય પ્રતિનિયુક્તિમાંથી પરત ફરતા જ તેમને અંદામાન-નિકોબારના સર્વોચ્ચ વહીવટી પદની જવાબદારી સોંપવામાં આવી છે. આ નિયુક્તિ ગૃહ મંત્રાલયની મંજૂરી અને સક્ષમ સત્તાધિકારીની સંમતિથી કરવામાં આવી હોવાનું સરકારી આદેશમાં સ્પષ્ટ કરાયું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
