<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

એલોન મસ્કની સ્પેસએક્સ સાથે હાથ મિલાવતા જ રોકેટ બન્યો આ શેર: ૨ જ દિવસમાં ૩૧% નો વિસ્ફોટક ઉછાળો, કિંમત હજુ પણ ₹૫૦ થી નીચે!

બ્લુ ક્લાઉડ સોફ્ટટેક અને સ્પેસએક્સ મલેશિયા વચ્ચે AI, સાયબર સેક્યુરિટી અને ડેટા સેન્ટર ક્ષેત્રે કરોડો ડોલરની મેગા ડીલ બાદ રોકાણકારોમાં ભારે ઉત્સાહ

નવી દિલ્હી: તા.૧૧ — ભારતીય શેરબજારમાં પેની સ્ટોક્સ અને સ્મોલકેપ શેરોમાં અવારનવાર જોરદાર ધમાકો જોવા મળતો હોય છે, પરંતુ જ્યારે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કની કંપનીનું નામ કોઈ શેર સાથે જોડાય છે, ત્યારે રોકાણકારોનો ઉત્સાહ બેવડાઈ જાય છે. કંઈક આવો જ ચમત્કાર 'બ્લુ ક્લાઉડ સોફ્ટટેક સોલ્યુશન્સ' (Blue Cloud Softech Solutions) ના શેરમાં જોવા મળ્યો છે. મસ્કની સ્પેસએક્સ (SpaceX) ની સહયોગી કંપની સાથે કરોડો ડોલરની પાર્ટનરશિપની જાહેરાત થતાં જ આ શેરમાં રોકેટ ગતિએ તેજી આવી છે અને માત્ર બે જ દિવસમાં શેર ૩૧ ટકા જેટલો ઊંચકાયો છે.

 

શું છે સમગ્ર મેગા ડીલ?

કંપનીએ સ્ટોક એક્સચેન્જોને આપેલી સત્તાવાર માહિતી અનુસાર, બ્લુ ક્લાઉડ સોફ્ટટેકની યુએસ સ્થિત સબસિડિયરી કંપનીએ મલેશિયામાં રજિસ્ટર્ડ 'SpaceX International Limited' સાથે એક મોટો કરાર કર્યો છે. આ કરાર હેઠળ કંપની AI કમ્પ્યુટિંગ, સાયબર સુરક્ષા, ટેલિકોમ્યુનિકેશન અને આધુનિક ડેટા સેન્ટર પ્લેટફોર્મ ડિઝાઈન, બિલ્ડ અને ઓપરેટ કરવાની જવાબદારી સંભાળશે. આ પ્રોજેક્ટ્સનું કુલ મૂલ્ય $૧૫૦ મિલિયન (આશરે ₹૧૨૫૦ કરોડથી વધુ) અંકાયું છે, જેમાં AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે $૭૦ મિલિયન, સાયબર સુરક્ષા માટે $૨૫ મિલિયન, ટેલિકોમ માટે $૨૫ મિલિયન અને ડેટા સેન્ટર માટે $૩૦ મિલિયનનો સમાવેશ થાય છે.

 

બજારમાં શેરની આકાશી ઉડાન

આ ઐતિહાસિક સોદાના સમાચાર બહાર આવતા જ મંગળવારે BSE પર કંપનીનો શેર ₹૨૨.૯૫ પર ખૂલ્યા બાદ ૧૫ ટકાના તીવ્ર ઉછાળા સાથે ₹૨૫.૮૦ ની ઇન્ટ્રાડે હાઇ સપાટીએ પહોંચી ગયો હતો. આ પહેલાં સોમવારે પણ શેરમાં ૧૩ ટકાની તેજી નોંધાઈ હતી. સતત બે દિવસની અપર સર્કિટ અને ખરીદીના ભારે ઓર્ડર્સને કારણે આ શેરે રોકાણકારોને ટૂંકા ગાળામાં જ બમ્પર રિટર્ન આપ્યું છે.

 

લાંબા ગાળાનું પ્રદર્શન અને શેર સ્પ્લિટનો ઇતિહાસ

ભલે છેલ્લા બે દિવસમાં શેરમાં ૩૧ ટકાનો જોરદાર ઉછાળો આવ્યો હોય, પરંતુ છેલ્લા એક વર્ષમાં આ શેર આશરે ૧૨ ટકા ઘટ્યો છે. જાકે, લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી જોઈએ તો છેલ્લા પાંચ વર્ષમાં આ શેરે રોકાણકારોને ૩૮૭ ટકા જેટલું મજબૂત રિટર્ન આપ્યું છે. કંપનીના ઇતિહાસ પર નજર કરીએ તો ૨૦૧૬ માં પ્રથમ વખત અને તાજેતરમાં ૨૦૨૫ માં બીજી વખત શેરનું વિભાજન (Stock Split) કરવામાં આવ્યું હતું. હવે આગામી ૧૪ ઓગસ્ટે કંપની તેના ચાલુ ત્રિમાસિક ગાળાના નાણાકીય પરિણામો જાહેર કરવા જઈ રહી છે, જેના પર સમગ્ર બજારની નજર ટકેલી છે.

 

(નોંધ: આ માત્ર સમાચાર આધારિત માહિતી છે, કોઈ રોકાણ સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમોને આધીન હોઈ યોગ્ય નાણાકીય નિષ્ણાતની સલાહ લેવી.)

(3:38 PM IST)