<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ઐતિહાસિક ચુકાદો: સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ-અસદને યુદ્ધ અપરાધો માટે ફાંસીની સજા, દમાસ્કસ કોર્ટનો આકરો આદેશ

૧૪ વર્ષના ભયાનક ગૃહયુદ્ધ અને લાખો નિર્દોષોના નરસંહાર બદલ અસદ, તેમના ભાઈ માહેર અને પિતરાઈ ભાઈ આતિફ નજીબને માનવતા વિરુદ્ધના ગુનાઓમાં ફાંસીની અદાલતી સજા

દમાસ્કસ: તા.૧૧ — મધ્ય પૂર્વના રાજકારણ અને વૈશ્વિક ઇતિહાસમાં એક અત્યંત મોટો અને સનસનાટીભર્યો ચુકાદો સામે આવ્યો છે. સીરિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ-અસદને દમાસ્કસની ખાસ ફોજદારી અદાલતે યુદ્ધ અપરાધો (War Crimes) અને માનવતા વિરુદ્ધના ભયાનક ગુનાઓ માટે દોષિત ઠેરવીને મૃત્યુદંડ (ફાંસી) ની સજા ફટકારી છે. સીરિયામાં છેલ્લા ૧૪ વર્ષથી ચાલેલા રક્તરંજિત સંઘર્ષ અને લાખો લોકોના મોત માટે અસદ શાસનને જવાબદાર ગણાવી અદાલતે આ ઐતિહાસિક આદેશ આપ્યો છે.

 

અસદના પરિવાર અને મુખ્ય સૈન્ય કમાન્ડરોને પણ ફાંસીની સજા

કોર્ટે માત્ર બશર અલ-અસદને જ નહીં, પરંતુ તેમના પરિવારના અન્ય મુખ્ય સભ્યોને પણ આ જ ગુનામાં મૃત્યુદંડની સજા સંભળાવી છે. અસદના નાના ભાઈ અને સીરિયન સૈન્યના ભૂતપૂર્વ ઉચ્ચ અધિકારી માહેર અલ-અસદને પણ ફાંસીની સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત, અસદના પિતરાઈ ભાઈ અને ભૂતપૂર્વ બ્રિગેડિયર જનરલ આતિફ નજીબને પણ આ જ કેસમાં દોષિત ઠેરવીને મૃત્યુદંડ ફટકારાયો છે.

 

દરઆ પ્રાંતમાં માસૂમ બાળકો પર અત્યાચાર અને ગૃહયુદ્ધની શરૂઆત

અદાલતી સુનાવણી દરમિયાન બહાર આવ્યું કે આતિફ નજીબ ૨૦૧૧ માં દક્ષિણ સીરિયાના દરઆ (Daraa) પ્રાંતમાં રાજકીય સુરક્ષા શાખાના વડા તરીકે કાર્યરત હતા. તેમના પર આખા પ્રાંતમાં વિરોધ પ્રદર્શનોને દબાવવા માટે કૂરતાપૂર્વક કાર્યવાહી કરવાનો આરોપ હતો, જેણે આગળ જઈને સમગ્ર દેશમાં ભયાનક ગૃહયુદ્ધનું રૂપ ધારણ કર્યું હતું.

 

માનવતા વિરુદ્ધનો ગુનો: ૧૫ વર્ષથી નાની વયના બાળકોની નિર્મમ હત્યા

અદાલતે પોતાના ચુકાદામાં નોંધ્યું કે નજીબ અને અસદ શાસને ઇરાદાપૂર્વક ૧૫ વર્ષથી ઓછી ઉંમરના નિર્દોષ બાળકોની નિર્મમ હત્યા કરી હતી અને તેમને અમાનુષી યાતનાઓ આપી હતી, જેના કારણે અનેક બાળકોના કરૂણ મોત નીપજ્યા હતા. ૧૪ વર્ષ સુધી ચાલેલા આ સંઘર્ષમાં આશરે ૫ લાખ (અડધા મિલિયન) જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અદાલતે આ કૃત્યોને માનવતા વિરુદ્ધનો અત્યંત ગંભીર ગુનો ગણાવીને તમામ મુખ્ય આરોપીઓને કઠોરમાં કઠોર સજા સંભળાવી છે.

 

(3:41 PM IST)