<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

ભારતીય અર્થતંત્રની મોટી છલાંગ: $૩.૯૨ ટ્રિલિયનના જીડીપી સાથે ભારત વિશ્વની ૬ઠ્ઠી સૌથી મોટી આર્થિક સત્તા બન્યું; સંસદમાં સરકારે રજૂ કર્યા આંકડા

આઈએમએફના વર્લ્ડ ઈકોનોમિક આઉટલુક રિપોર્ટમાં ભારતની મજબૂત સ્થિતિ; બેંકોની એનપીએ ઘટીને ૧.૯૩ ટકા થઈ, બેંકિંગ છેતરપિંડીના કેસોમાં પણ ભારે ઘટાડો

નવી દિલ્હી: તા.૧૧ : વૈશ્વિક આર્થિક મંદી અને રાજકીય અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતીય અર્થતંત્રે ફરી એકવાર પોતાની મજબૂતી સાબિત કરી છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) ના એપ્રિલ ૨૦૨૬ ના વર્લ્ડ ઈકોનોમિક આઉટલુક રિપોર્ટને ટાંકીને સરકારે રાજ્યસભામાં માહિતી આપી છે કે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ભારતનો નોમિનલ જીડીપી ૩.૯૨ ટ્રિલિયન યુએસ ડોલર સુધી પહોંચી ગયો છે. આ સાથે જ ભારત વિશ્વનું છઠ્ઠું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે.

 

સરકારની બહુપક્ષીય વિકાસ વ્યૂહરચના

નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે આઈએમએફનું આ રેન્કિંગ પ્રવર્તમાન યુએસ ડોલર વિનિમય દર પર આધારિત છે. ભારતીય અર્થતંત્રને નવી ઊંચાઈએ પહોંચાડવા માટે સરકારે કૃષિ ઉત્પાદકતા વધારવા, પીએલઆઈ (PLI) યોજનાઓ, એમએસએમઈ (MSME) ક્ષેત્રને મજબૂત કરવા, પીએમ ગતિ શક્તિ અને નેશનલ લોજિસ્ટિક્સ પોલિસી દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિસ્તાર કરવાની વ્યાપક વ્યૂહરચના અપનાવી છે. તેમણે ઉમેર્યું કે સીધા કર અને જીએસટી સુધારા તેમજ પબ્લિક કેપિટલ એક્સપેન્ડિચરના કારણે દેશમાં રોકાણનો માહોલ સુધર્યો છે.

 

જાહેર ક્ષેત્રની બેંકોનું શાનદાર પ્રદર્શન: NPA માં મોટો ઘટાડો

અન્ય એક પ્રશ્નના જવાબમાં નાણા રાજ્યમંત્રીએ જાહેર ક્ષેત્રની બેંકો (PSBs) ના આરોગ્ય અંગે સંતોષકારક આંકડા રજૂ કર્યા હતા. ૩૧ માર્ચ, ૨૦૨૪ ના રોજ બેંકોની કુલ બિન-કાર્યક્ષમ સંપત્તિ (GNPA) જે ૩.૪૭ ટકા (રૂ. ૩,૩૯,૫૪૧ કરોડ) હતી, તે ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધીમાં ઘટીને આશ્ચર્યજનક રીતે ૧.૯૩ ટકા (રૂ. ૨,૪૫,૬૩૪ કરોડ) ની નીચી સપાટીએ આવી ગઈ છે. આ સાથે જ બેંકિંગ છેતરપિંડીના કેસો ૨૦૨૩-૨૪ ના ૫૪,૮૫૦ થી ઘટીને ૨૦૨૫-૨૬ માં માત્ર ૫,૭૮૬ રહી ગયા છે.

 

દાવા વગરની થાપણો (Unclaimed Deposits) નો આંકડો રૂ. ૮૬,૯૧૭ કરોડ પર

સરકારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના ડેટાને ટાંકીને જણાવ્યું હતું કે ૩૦ જૂન, ૨૦૨૬ સુધીમાં બેંકોના 'ડીઈએ ફંડ' (DEA Fund) માં રાખવામાં આવેલી દાવા વગરની થાપણોની કુલ રકમ રૂ. ૮૬,૯૧૭.૦૮ કરોડ પર પહોંચી છે. આરબીઆઈ દ્વારા આ ફંડમાંથી સાચા દાવેદારોને રકમ પરત કરવાની પ્રક્રિયા ચાલુ છે અને ૩૦ જૂન, ૨૦૨૬ સુધીમાં રૂ. ૧૭,૪૧૪.૬૮ કરોડની રકમ બેંકોને ભરપાઈ કરવામાં આવી ચૂકી છે.

 

(4:11 PM IST)