<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

સુપ્રિયા સુલેના દીકરીના લગ્નમાં પીએમ મોદી સાથે ચર્ચા કરનાર યુવાન કોણ? જાણો 'જેકફ્રૂટ કિંગ ઓફ ઇન્ડિયા' મિથિલેશ દેસાઈની પ્રેરણાદાયી સફર

શરદ પવાર અને વડાપ્રધાન મોદી સામે મોબાઈલ સ્ક્રીન બતાવીને વાત કરતા યુવાનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ; UPSC ની સફર છોડી બનેલા સફળ કૃષિ ઉદ્યોગસાહસિકની અનોખી ગાથા

નવી દિલ્હી: તા.૧૧ : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (SCP) ના સાંસદ સુપ્રિયા સુલેની પુત્રી રેવતી સુલેના લગ્નના ભવ્ય રિસેપ્શનમાં દેશના અનેક રાજકીય દિગ્ગજો હાજર રહ્યા હતા. પરંતુ આ સમારંભના એક વાયરલ વિડીયોએ સોશિયલ મીડિયા પર ભારે કુતૂહલ સર્જ્યું છે. આ વિડીયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એનસીપી સુપ્રિમો શરદ પવાર એકસાથે બેઠેલા જોવા મળે છે, જ્યારે એક યુવાન પીએમ મોદી તરફ ઝૂકીને પોતાના મોબાઈલમાંથી કંઈક બતાવી રહ્યો છે અને વડાપ્રધાન પણ તેને ખૂબ જ રસપૂર્વક સાંભળી રહ્યા છે. પીએમ મોદી સાથે સીધો સંવાદ કરનાર આ યુવાન બીજું કોઈ નહીં પણ 'જેકફ્રૂટ કિંગ ઓફ ઈન્ડિયા' તરીકે જાણીતા મિથિલેશ દેસાઈ છે.

 

UPSC ઇન્ટરવ્યુ છોડીને કૃષિ ક્ષેત્રે ક્રાંતિ

મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાના લાંજા તાલુકાના ઝાપડે ગામના વતની મિથિલેશ દેસાઈએ મહાત્મા ફુલે કૃષિ યુનિવર્સિટી (રાહુરી)માંથી એગ્રીકલ્ચર એન્જિનિયરિંગમાં બી.ટેક કર્યું છે. વર્ષ ૨૦૧૬ માં તેમણે યુપીએસસી (UPSC) ના ઇન્ટરવ્યુ તબક્કા સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. પરંતુ સરકારી કે કોર્પોરેટ નોકરી પસંદ કરવાને બદલે તેમણે પોતાના પિતા હરીશચંદ્ર દેસાઈ સાથે મળીને રત્નાગિરીમાં ફણસ (જેકફ્રૂટ) ની ખેતી અને પ્રોસેસિંગમાં ઝંપલાવ્યું.

 

જર્મની સુધી ફણસના પાંદડાની નિકાસ અને કેન્સર રિસર્ચ

મિથિલેશ દેસાઈને જેકફ્રૂટ વાવેતરના પ્રણેતા માનવામાં આવે છે, જેમણે વૈશ્વિક સ્તરે ફણસની ૮૬ થી વધુ પ્રજાતિઓ પર કામ કર્યું છે. તેઓ ફણસ ઉપરાંત કાજુ, કેરી અને અન્ય ફળો-શાકભાજીના ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે નિષ્ણાત છે. તેમની સૌથી મોટી સફળતા એ છે કે તેઓ ફણસના પાંદડા જર્મનીમાં નિકાસ કરે છે, જ્યાં તેનો ઉપયોગ કેન્સર સંશોધન (Cancer Research) માં કરવામાં આવે છે.

 

૧ કરોડનું ટર્નઓવર અને ૯૦૦ થી વધુ ખેડૂતોનું નેટવર્ક

વર્ષ ૨૦૨૦ માં મિથિલેશે 'જેકફ્રૂટ કિંગ એગ્રો પ્રોડ્યુસર કંપની લિમિટેડ'ની સ્થાપના કરી હતી. તેમની કંપની ફણસમાંથી વેગન મીટ, બર્ગર પેટીઝ, વેફર્સ, ડાયાબિટીસ-ફ્રેન્ડલી પાવડર અને પશુ આહાર જેવા અનેક ઉત્પાદનો બનાવે છે. દર વર્ષે તેમની નર્સરીમાંથી આશરે ૨૫,૦૦૦ કલમી છોડ વેચાય છે અને ૯૦૦ થી વધુ ખેડૂતો તેમની સાથે જોડાયેલા છે. આજે તેમની આ કંપનીનું વાર્ષિક ટર્નઓવર રૂ. ૯૫ લાખથી રૂ. ૧ કરોડ સુધી પહોંચી ગયું છે.

 

(4:20 PM IST)