<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

કેનેડામાં અભ્યાસ અને સંશોધનનું સ્વપ્ન થશે પૂરું: AICTE અને Mitacs ની ખાસ પહેલ, ૩૦૦ ભારતીય વિદ્યાર્થીઓને મળશે ૧૦૦% સ્કોલરશિપ સાથે ઇન્ટર્નશિપ!

૧૨ અઠવાડિયાના રિસર્ચ પ્રોજેક્ટ માટે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન દ્વારા અરજીઓ ખુલ્લી; ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૬ અરજી કરવાની છેલ્લી તારીખ

નવી દિલ્હી: તા.૧૧ : ભારતીય અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે કેનેડાની પ્રખ્યાત યુનિવર્સિટીઓમાં સંશોધન કરવાનો અને વૈશ્વિક એક્સપોઝર મેળવવાનો સુવર્ણ અવસર આવ્યો છે. ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE) અને કેનેડાની મિટાક્સ (Mitacs) સંસ્થાએ સંયુક્ત રીતે 'AICTE-Mitacs Globalink રિસર્ચ ઇન્ટર્નશિપ (GRI) ૨૦૨૭' માટે સત્તાવાર અરજીઓ આવકારી છે. આ યોજના હેઠળ દર વર્ષે ૩૦૦ તેજસ્વી ભારતીય વિદ્યાર્થીઓને કેનેડામાં સંપૂર્ણ ભંડોળ ધરાવતી (Fully-Funded) ૧૨ અઠવાડિયાની રિસર્ચ ઇન્ટર્નશિપ પૂરી પાડવામાં આવશે.

 

ઇન્ટર્નશિપ દરમિયાન શું મળશે લાભ?

પસંદગી પામેલા વિદ્યાર્થીઓને કેનેડા જવા-આવવાની એર ટિકિટ, એરપોર્ટ ટ્રાન્સપોર્ટ, રહેવાનો ખર્ચ (આવાસ સ્ટાઇપેન્ડ), ખોરાક અને અન્ય દૈનિક ખર્ચ માટે સ્ટાઇપેન્ડ, નોંધણી ફી, અને સમગ્ર રોકાણ દરમિયાન ઇમરજન્સી હેલ્થ ઇન્સ્યોરન્સ કવર કરવામાં આવશે. આ ઉપરાંત, કેનેડિયન કેમ્પસમાં ગાઇડન્સ માટે સ્ટુડન્ટ મેન્ટર્સ તેમજ પ્રોફેશનલ ડેવલપમેન્ટ કોર્સિસની એક્સેસ પણ મળશે. આ કાર્યક્રમ કેનેડાની ૭૦ થી વધુ અગ્રણી સંસ્થાઓમાં વિજ્ઞાન, એન્જિનિયરિંગ, ગણિત, સોશિયલ સાયન્સ અને માનવતા જેવા વિવિધ ક્ષેત્રોમાં ઉપલબ્ધ છે.

 

પાત્રતા માપદંડ અને અગત્યની શરતો

અરજી કરનાર ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી ૧૮ વર્ષ હોવી જોઈએ અને તેઓ ભારતમાં માન્યતા પ્રાપ્ત સંસ્થામાં ગ્રેજ્યુએશન (અંડરગ્રેજ્યુએટ) ના બીજા કે ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા હોવા જોઈએ. ઉમેદવારે ઓછામાં ઓછા ૩ અને વધુમાં વધુ ૧૦ સંશોધન પ્રોજેક્ટ્સ માટે અરજી કરવાની રહેશે, જે કેનેડાના ઓછામાં ઓછા ૩ અલગ-અલગ પ્રાંતો (Provinces) ના હોવા આવશ્યક છે. વિદ્યાર્થીઓ પાસે સારું અંગ્રેજી કે ફ્રેન્ચ ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે.

 

કેવી રીતે અરજી કરવી અને પાસપોર્ટની જરૂરિયાત

રસ ધરાવતા વિદ્યાર્થીઓ AICTE ની સત્તાવાર વેબસાઇટ પર જઈને ૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ પેસિફિક સમય મુજબ બપોરે ૧:૦૦ વાગ્યા સુધીમાં પોતાની ઓનલાઈન અરજી સબમિટ કરી શકે છે. અરજી માટે અપડેટ કરેલું CV, પ્રોફેસર તરફથી રેફરન્સ લેટર અને માર્કશીટ (ટ્રાન્સક્રિપ્ટ) અપલોડ કરવાની રહેશે. વિદ્યાર્થીઓ પાસે જાન્યુઆરી ૨૦૨૮ સુધી માન્ય હોય તેવો પાસપોર્ટ હોવો સલાહભર્યો છે, જોકે હાલમાં પાસપોર્ટ ન હોય તો પણ અરજી કરી શકાશે, પણ પસંદગી થાય ત્યારે પાસપોર્ટ વિગતો આપવી ફરજિયાત રહેશે.

(4:25 PM IST)