<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

રેલ્વે શેરોમાં તેજીની સરગમ: RVNL ના નફામાં ૧૮% નો મજબૂત ઉછાળો, જૂન ક્વાર્ટરમાં રૂ. ૧૫૯ કરોડ કમાયા!

વાર્ષિક ધોરણે કંપનીના પ્રોફિટ અને ઓપરેટિંગ માર્જિનમાં મોટો સુધારો; જુલાઈ મહિનામાં મળ્યા કરોડો રૂપિયાના રેલ્વે પ્રોજેક્ટ ઓર્ડર

નવી દિલ્હી: તા.૧૧ : ભારતીય રેલ્વે ક્ષેત્રની અગ્રણી સરકારી કંપની રેલ વિકાસ નિગમ લિમિટેડ (RVNL) એ ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ ના પ્રથમ ક્વાર્ટર (Q1) ના નાણાકીય પરિણામો જાહેર કરી દીધા છે. શેરબજારમાં રોકાણકારો માટે ખુશીના સમાચાર એ છે કે કંપનીએ વાર્ષિક ધોરણે (YoY) પોતાના ચોખ્ખા નફામાં ૧૮.૫ ટકાની મજબૂત વૃદ્ધિ નોંધાવી છે. જૂન ક્વાર્ટરમાં કંપનીનો કુલ નફો વધીને રૂ. ૧૫૯.૩૬ કરોડે પહોંચ્યો છે, જે ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. ૧૩૪.૫૩ કરોડ હતો.

 

આવક, ખર્ચ અને માર્જિનની સ્થિતિ

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં RVNL ની ઓપરેટિંગ આવક રૂ. ૪,૩૨૧.૨૩ કરોડ રહી છે. કંપનીનું કામગીરી નફાનું માપદંડ ગણાતું EBITDA (ઈબિટડા) રૂ. ૧૮૫.૪ કરોડ નોંધાયું છે, જે ગયા વર્ષે સમાન ગાળામાં રૂ. ૫૬ કરોડ હતું. આ સાથે જ કંપનીનું EBITDA માર્જિન પણ ૧.૪૩ ટકાથી વધીને ૪.૩ ટકાની મજબૂત સપાટીએ પહોંચી ગયું છે. જોકે, અગાઉના ક્વાર્ટરની તુલનામાં કંપનીનો કુલ ખર્ચ ૩૫ ટકા ઘટીને રૂ. ૪,૨૪૪.૯૧ કરોડ થયો છે.

 

શેર પ્રદર્શન અને ૫૨ અઠવાડિયાની રેન્જ

પરિણામો જાહેર થયાના દિવસે RVNL ના શેરમાં રોકાણકારો તરફથી મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. સેશન દરમિયાન શેર રૂ. ૨૩૧.૭૫ ની ઊંચી અને રૂ. ૨૨૭.૭૫ ની નીચી સપાટી વચ્ચે ટ્રેડ થતો જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે ૨૯ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ રૂ. ૪૦૦.૯૦ ની ૫૨ અઠવાડિયાની સર્વોચ્ચ સપાટી બનાવ્યા બાદ શેર લાંબા સમયથી દબાણ હેઠળ રહ્યો છે અને ૨૮ જુલાઈના રોજ રૂ. ૨૨૦.૨૫ ની નીચી સપાટીએ સ્પર્શ્યો હતો.

 

જુલાઈમાં મળ્યા કરોડો રૂપિયાના નવા ઓર્ડર

આરવીએનએલને જુલાઈ મહિના દરમિયાન રેલ્વે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં કેટલાંક મોટા કોન્ટ્રાક્ટ પ્રાપ્ત થયા છે. પૂર્વ મધ્ય રેલ્વે તરફથી સમસ્તીપુર ડિવિઝનના સીતામઢી-રક્સૌલ સેક્શનમાં ૪૧.૦૪ કિલોમીટર લાંબી રેલ્વે લાઈન ડબલિંગ પ્રોજેક્ટ માટે રૂ. ૩૫૮.૯૭ કરોડનો મોટો ઓર્ડર મળ્યો છે. આ ઉપરાંત, ઉત્તરાખંડના મહત્વાકાંક્ષી ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલ લાઈન પ્રોજેક્ટ માટે સિમેન્સ લિમિટેડ સાથે રૂ. ૨૬૩ કરોડનો ભાગીદારી કોન્ટ્રાક્ટ સાઈન કરવામાં આવ્યો છે.

(4:50 PM IST)