News of Tuesday, 11th August 2026
'ઇસ્લામિક નાટો'નો ફુગ્ગો ૪૮ કલાકમાં ફૂટ્યો: સાઉદી અરેબિયાની રિફાઇનરી પર હુથીના હુમલા બાદ પણ પાકિસ્તાન-તુર્કી મૌન!
મક્કા સંયુક્ત સંરક્ષણ કરાર પ્રથમ પરીક્ષણમાં જ નિષ્ફળ; 'એક પર હુમલો એટલે ત્રણેય પર હુમલો'નો દાવો કાગળ પર રહ્યો, લશ્કરી બદલો લેવામાં ગઠબંધન પાછળ હટ્યું

રિયાધ: તા.૧૧ : સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને તુર્કી વચ્ચે તાજેતરમાં જ રચાયેલા અને 'ઇસ્લામિક નાટો' તરીકે ઓળખાવાતા મક્કા સંયુક્ત સંરક્ષણ કરારના પોકળ દાવા માત્ર ૪૮ કલાકમાં જ છતા થઈ ગયા છે. રવિવારે સવારે ઈરાન સમર્થિત યમનના હુથી બળવાખોરોએ સાઉદી અરેબિયાના જાઝાન સ્થિત અરામકો રિફાઇનરી પર મોટો ડ્રોન હુમલો કર્યો હતો. પરંતુ "એક દેશ પર હુમલો એટલે ત્રણેય દેશો પર હુમલો" ગણવાની મોટી વાતો કરનાર આ નવા ગઠબંધને ન તો કોઈ લશ્કરી બદલો લીધો કે ન તો હુથીઓ સામે કોઈ જવાબી કાર્યવાહીની ધમકી આપી.
શુક્રવારે કરાર, રવિવારે હુમલો અને તુર્કી-પાકિસ્તાનની ચૂપકીદી
સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન, તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન અને પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે શુક્રવારે જ મક્કામાં આ ઐતિહાસિક સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. પરંતુ હસ્તાક્ષરના ૪૮ કલાકમાં જ હુથી પ્રવક્તા યાહ્યા સારીના નેતૃત્વમાં ડ્રોન હુમલો કરીને રિફાઇનરીને નિશાન બનાવવામાં આવી, જેના કારણે ફેક્ટરીમાં આગ લાગી ગઈ હતી. આ ઘટના બાદ પાકિસ્તાન અને તુર્કી તરફથી કોઈ પણ પ્રકારનો લશ્કરી કે રાજદ્વારી સપોર્ટ ન મળતા આ જોડાણની ગંભીરતા સામે પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થયા છે.
તુર્કીના વિદેશ મંત્રીની સ્પષ્ટતા અને સંરક્ષણ શરતોનો વિરોધાભાસ
ગઠબંધનની જાહેરાત વખતે તુર્કીના વિદેશ મંત્રી હકાન ફિદાને તેને નાટોની 'કલમ ૫' જેવું મજબૂત ગણાવ્યું હતું અને સાઉદીમાં કાયમી સચિવાલય સ્થાપવાની વાત કરી હતી. જોકે, તેમણે બાદમાં સ્પષ્ટ કર્યું હતું કે હુમલો થતાં જ કોઈ આપમેળે સૈન્ય કાર્યવાહી શરૂ નહીં થાય, પરંતુ સભ્ય દેશો પહેલા પરામર્શ કરશે. 'ધ જેરુસલેમ પોસ્ટ'ના વિશ્લેષણ મુજબ, આ શરત સાબિત કરે છે કે કાગળ પર કરવામાં આવેલા મોટા સૈન્ય દાવો અને જમીની સ્તરની વાસ્તવિકતા વચ્ચે મોટો તફાવત છે.
પાકિસ્તાનનો જૂનો ઇતિહાસ: માત્ર નાણાં મેળવ્યા, બચાવ ન કર્યો
આ પહેલીવાર નથી જ્યારે સાઉદી અરેબિયાને આવી સ્થિતિનો સામનો કરવો પડ્યો હોય. આ અગાઉ સપ્ટેમ્બર ૨૦૨૫ માં પણ સાઉદી અને પાકિસ્તાન વચ્ચે આવી જ સુરક્ષા સંધિ થઈ હતી. જ્યારે ફેબ્રુઆરીમાં પ્રિન્સ સુલતાન એર બેઝ અને સાઉદી રિફાઇનરીઓ પર હુમલા થયા, ત્યારે સાઉદીના ફંડિંગ પર તૈનાત ૮,૦૦૦ પાકિસ્તાની સૈનિકો અને JF-17 ફાઇટર જેટે કોઈ પ્રત્યક્ષ સૈન્ય હસ્તક્ષેપ કર્યો નહોતો. નવો મક્કા કરાર પણ એ જ જૂના મોડેલને રજૂ કરે છે જ્યાં સાઉદી માત્ર વિદેશી સૈન્ય સાધનોનો ખર્ચ ઉઠાવે છે, પરંતુ સંકટના સમયે સાથી દેશો યુદ્ધમાં ઉતરવાથી બચે છે.
(4:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
