<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

સીરિયામાં ઇતિહાસનો સૌથી મોટો ચુકાદો : પદભ્રષ્ટ પૂર્વ પ્રેસિડેન્ટ બશર અલ-અસદને ગેરહાજરીમાં ફાંસીની સજા: તેમના ભાઈ માહેરને પણ મૃત્યુદંડ

દમાસ્કસ : સીરિયાના સત્તાચ્યૂત પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ-અસદને દમાસ્કસની અદાલતે ગેરહાજરીમાં મૃત્યુદંડની સજા ફરમાવી છે. લગભગ ચાર મહિના ચાલેલી કાર્યવાહી બાદ અદાલતે અસદને પૂર્વનિયોજિત હત્યા, બાળકો સહિત અનેક લોકોની હત્યા, ત્રાસ, મનસ્વી ધરપકડ અને માનવતા વિરુદ્ધના ગુનાઓ માટે દોષિત ઠેરવ્યા છે. સીરિયામાં અસદ સામેનો આ પ્રથમ ફોજદારી દોષસિદ્ધિનો ચુકાદો છે. 

 

અદાલતે અસદના ભાઈ માહેર અલ-અસદને પણ ગેરહાજરીમાં મૃત્યુદંડ આપ્યો છે. માહેર અગાઉ કુખ્યાત ચોથી બખ્તરબંદ ડિવિઝનનું નેતૃત્વ કરતા હતા. પૂર્વ સુરક્ષા અધિકારી અને અસદના સગા આતેફ નજીબને પણ મૃત્યુદંડ અપાયો છે. નજીબ ત્રણ મુખ્ય આરોપીઓમાં એકમાત્ર એવો હતો જે અદાલતમાં હાજર રહીને કેસનો સામનો કરતો હતો. 

 

બશર અલ-અસદે ૨૦૦૦થી ડિસેમ્બર, ૨૦૨૪ સુધી સીરિયા ઉપર શાસન કર્યું હતું. બળવાખોરોની ઝડપી ચઢાઈ બાદ તેમની સરકારનું પતન થયું અને તેઓ પરિવાર સાથે રશિયા ભાગી ગયા, જ્યાં તેમને આશ્રય મળ્યો છે. 

 

કેટલાક કાનૂની નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે મૃત્યુદંડને કારણે રશિયા અથવા અન્ય દેશમાંથી અસદના પ્રત્યાર્પણની શક્યતા વધુ મુશ્કેલ બની શકે છે. 

(5:24 PM IST)