<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

ઉર્જા ક્ષેત્રે ભારતનો માસ્ટરસ્ટ્રોકઃ દેશમાં ક્યારેય તેલ-ગેસની અછત નહીં સર્જાય : કેન્દ્ર સરકારનો માસ્ટર પ્લાન તૈયાર

પશ્ચિમ એશિયાના તણાવ અને વૈશ્વિક સંકટ વચ્ચે ભારતે વૈવિધ્યકરણ અપનાવ્યું; ૧૫ દેશોમાંથી એલએનજી અને ૪૧ દેશોમાંથી ક્રૂડ ઓઇલ આયાત કરી પુરવઠા શૃંખલાને સંપૂર્ણ સુરક્ષિત બનાવી

નવી દિલ્હી: વૈશ્વિક સ્તરે વધતા ભૂરાજકીય તણાવ અને દરિયાઈ માર્ગોમાં સંગ્રામ વચ્ચે ભારતે પોતાની ઉર્જા સુરક્ષાને લઈને એક મોટો અને વ્યૂહાત્મક માસ્ટરસ્ટ્રોક માર્યો છે. કેન્દ્ર સરકારે સંસદમાં સ્પષ્ટ દાવો કર્યો છે કે ભવિષ્યમાં ભારતને ક્યારેય તેલ કે કુદરતી ગેસની અછતનો સામનો કરવો પડશે નહીં. વૈશ્વિક બજારમાં કોઈપણ એક દેશ કે માર્ગ પર નિર્ભર રહેવાને બદલે ભારતે પોતાના સોર્સિંગ નેટવર્કનો અકલ્પનીય વિસ્તાર કર્યો છે, જેનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ વધે કે યુદ્ધ થાય તો પણ દેશની ઉર્જા જરૂરિયાતો અવિરતપણે પૂરી થતી રહેશે.

રાજ્યસભામાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્યમંત્રી સુરેશ ગોપીએ લેખિત જવાબ આપતા વિગતો આપી હતી કે, ભારતે પોતાના આયાત આધારને બમણાથી વધુ મજબૂત બનાવી દીધો છે. અગાઉ ભારત માત્ર ૬ દેશોમાંથી લિક્વિફાઇડ નેચરલ ગેસ ખરીદતું હતું, જે હવે વધીને ૧૫ દેશો થઈ ગયા છે. તેવી જ રીતે ક્રૂડ ઓઇલનો પુરવઠો મેળવવા માટેના દેશોની સંખ્યા ૨૭થી વધારીને ૪૧ કરી દેવામાં આવી છે. આ વૈવિધ્યકરણને કારણે મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) ના સંકટ કે રાતા સમુદ્ર ના માર્ગોમાં વિક્ષેપથી ભારત પર પડનારી નકારાત્મક અસરો સામે મજબૂત સુરક્ષા કવચ તૈયાર થઈ ગયું છે.

સરકારે સ્પષ્ટ કર્યું છે કે તે જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓ અને વૈશ્વિક હિસ્સેદારો સાથે મળીને વૈશ્વિક પુરવઠાની સ્થિતિ પર ચોવીસે કલાક બારીકાઈથી નજર રાખી રહી છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલી અસ્થિરતા વચ્ચે પણ ભારતીય તેલ કંપનીઓએ વિકલ્પ તરીકે અન્ય ખંડોમાંથી પણ ઓઈલ કાર્ગો બુક કરવાનું શરૂ કરી દીધું છે. કોઈપણ ચોક્કસ પરિવહન માર્ગ કે પ્રદેશ પર નિર્ભરતા ઓછી થવાથી દેશના ૧૪૦ કરોડ નાગરિકો માટે સસ્તું અને સતત ઈંધણ ઉપલબ્ધ રાખવાની ભારતની ક્ષમતામાં અકલ્પનીય વધારો થયો છે.

(5:38 PM IST)